અમદાવાદ: ગુજરાતનો દરિયાકાંઠો વિશાળ વ્હેલ શાર્કનું પિયર હોય તેમ હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને આ માછલીઓ દર વર્ષે તેનાં બચ્ચાંઓને અહીં જન્મ આપીને સાથે લઇને પાછી જતી રહે છે. તાજેતરમાં વલસાડ, દિવ અને ભાવનગરના દરિયામાં ડોલ્ફીન માછલી જોવા મળી હતી. આવી રીતે જ આશ્ચર્યનું કેન્દ્ર બનતી વ્હેલ શાર્ક પણ ગુજરાતના દરિયામાં પ્રસૂતિ માટે આવી છે. ગુજરાતમાં ભાવનગરથી જામનગર સુધીના દરિયામાં દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ માસમાં સેંકડો વ્હેલ આવે છે. વેરાવળ, ચોરવાડ અને પોરબંદર દરિયાઇ પટ્ટી વ્હેલશાર્કનું પ્રિય સ્થળ છે.
અત્યારના સમયમાં ગુજરાતના દરિયામાં ઉષ્ણકટિબંધના કારણે પાણી હૂંફાળું રહે છે. ૨૧થી ૨૫ સેલ્શિયસ તાપમાન તેમજ ફોટો પ્લાંક્ટન તરીકે ઓળખાતી દરિયાઇ શેવાળનો પૂરતો ખોરાક આ સમયગાળામાં વ્હેલ શાર્કને મળે છે. સાથે સુરક્ષિત માહોલના કારણે વ્હેલ શાર્ક પ્રસૂતિ માટે અહીં આવે છે. છેક ઓસ્ટ્રેલિયા અને સાઉદી એશિયાથી હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને ડિસેમ્બર આવતા જ વ્હેલશાર્ક ગુજરાતના દરિયાકાંઠે આવવા માંડે છે. ચારેક માસ રોકાઇને બચ્ચાને જન્મ આપીને નવજાત બચ્ચા સાથે માર્ચ આવતા સુધીમાં ગરમી વધી જતા પરત ફરે છે. સામાન્ય માછલીઓ ઈંડા મૂકતી હોય છે. જેમાંથી તેના બચ્ચાં બહાર આવતા હોય છે. પરંતુ વ્હેલ શાર્ક ઈંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે. અનુભવી સૂત્રોના અંદાજ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે દરવર્ષે ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક બચ્ચાને જન્મ આપવા માટે આવે છે.