અમદાવાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ તેમજ પડોશના અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છ થી વધુ ગામોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે 36 વ્યક્તિઓનો ભોગ લેતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. હજુ પણ 101 વ્યક્તિઓ અમદાવાદની સિવિલ અને ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. કેટલાક દર્દીઓની ગંભીર સ્થિતિને જોતાં આ લઠ્ઠાકાંડના મૃતકોની સંખ્યા હજુ વધવાની દહેશત છે. ઝેરી દારૂ પીવાથી મોતને ભેટનારમાં 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપી ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કર્યો છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે. નભોઇ ગામના અડ્ડાઓ પરથી દારૂ પીનારા પૈકીના 50 થી વધુ લોકોને તેની અસર થઇ છે, જેમને બરવાળા, બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં સારવાર અપાઇ રહી છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાની તપાસ માટે ડીવાયએસપીની લઠ્ઠાકાંડને પગલે ઉંઘતા ઝડપાયેલા પોલીસ તંત્ર તથા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
ભાવનગરથી રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સહિતના ઉચ્ચ પોલિસ અધિકારીઓ બોટાદ અને બાદમાં રોજિદ ગામે દોડી ગયા હતા. જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.
આ લઠ્ઠાકાંડના પાટનગર સુધી પડઘા પડ્યા છે. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસવડા સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ સઘન તપાસના આદેશ આપ્યા છે. માત્ર એટલું જ નહીં, બરવાળાના ASI આસમીબાનુની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.
લાશો ઢળ્યા બાદ ચોકડી ગામે પોલીસ ઊતરી પડી
કમકમાટી ભર્યો લઠ્ઠાકાંડ થયા પછી બરવાળા તાલુકાના ચોકડી ગામે બનેલા દારૂનું વેચાણ થયાનું બહાર આવતાં ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો ઊતરી પડ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાન્ત અધિકારી મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો હતો અને ગામમાં કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેની માહિતી એકત્ર કરી આવા લોકો પર પોલીસ તાબડતોબ તૂટી પડી હતી.
રોજિદમાં ગજુબેને કેમિકલ લોકોને આપ્યું હતું: એસ.પી
આ અંગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી જયેશની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આરોપી જયેશે 40 હજારમાં કેમિકલ વેચ્યું હતું. તમામે કેમિકલ અને પાણીનું મિશ્રણ પીધું હતું. માત્ર એટલું જ નહીં જયેશને જાણ હતી કે, મિથેનોલ પીવાથી મોત થાય છે. જયેશે આ મટિરિયલ સંજયને અને સંજયે પછી પીન્ટુને અને પીન્ટુએ ગજુબેનને આપ્યું. રોજિદ ગામમાં ગજુબેને કેમિકલ પોતે લોકોને આપ્યું હતું. ફરિયાદમાં 13માંથી 7 આરોપીની ધરપકડ અને રાણપુરમાં 11 લોકો સામેની ફરિયાદમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ કેમિકલ માંથી કોઈ દારૂ બનાવાયો નથી. કેમિકલ સીધો પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું.
એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે જેમા રોજિદ ગામમાં મોતનો આંકડો 9 એ પહોંચ્યો છે. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે.