રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. નીતિન વડગામાએ અતિથિ વિશેષ મુખ્ય વક્તા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સ્વાગત કર્યું હતું. યુનિવર્સિટીનાં ૫૦ વર્ષની પ્રગતિનું સચિત્ર આલેખન કરતી કોફી ટેબલ બુકનું લોકાર્પણ કર્યા પછી વિષ્ણુ પંડ્યાએ ‘ભાષા, સાહિત્ય અને સાહિત્યકાર’ પર વ્યાખ્યાન આપ્યું. યુનેસ્કોએ ૧૯૯૯માં ‘માતૃભાષા દિવસ’ ઊજવણી જાહેર કરી તેની પાછળ ૧૯૫૨નાં પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં બંગાળી ભાષાને રાજકીય – શૈક્ષણિક – સાંસ્કૃતિક માન્યતા આપવામાં આવે તેવી માગણી સાથે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રસ્તા પર આવીને આંદોલન કર્યું અને બંગાળીને રાજ્યની ભાષાઓમાં સ્થાન મળ્યું તે નિમિત્ત હતું તેની વિગતો આપતાં વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે ભાષા દરેક સમાજનો પ્રચંડ આત્મા છે, તે પાઠ્યપુસ્તકો કે વ્યવહાર પૂરતી સીમિત નથી, તે સાહિત્ય, રાજનીતિ, સંસ્કાર અને રાષ્ટ્રની મજબૂતી સર્જે છે. સંખ્યાબંધ ઉદાહરણો સાથે તેમણે ગુજરાતી ભાષાનાં સામર્થ્યની વાત કરતાં જણાવ્યું કે ગુજરાતી સમાજ સંકલ્પ – સંઘર્ષ – સામંજસ્ય દ્વારા સિદ્ધિને પ્રાપ્ત કરે છે, આવી પરંપરા હોય તેની ભાષાનો
લોપ થઈ શકે નહીં. તેનું સ્વરૂપ બદલાતું રહેશે પણ આપણી મા-ભાષા જીવંત હતી, છે અને રહેશે.