રાજકોટઃ શહેરમાં શિક્ષણક્ષેત્રે એક તબક્કે દબદબો ધરાવનાર ધોળકિયા સ્કૂલ પાસે સીબીએસઇની માન્યતા નહીં હોવા છતાં સીબીએસઇ સ્કૂલ ચલાવી વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થતાં વાલીઓ જાગૃત બન્યા હતા અને શહેરની મોદી સ્કૂલ, સેન્ટમેરી અને ગોલ્ડન એપલ સ્કૂલમાં પણ સીબીએસઇના નામે છેતરપિંડી ચાલતી હોવાનો ધડાકો થયો હતો.
સાતમીએ રાત્રે ચારેય સ્કૂલના વાલીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી અને કૃષ્ણકાંત ધોળકિયા, રશ્મિ મોદી અને ફાધર વિલ્સન સહિત પાંચ જણાની ધરપકડ કરી હતી. સંચાલકો સામે ગુનો નોંધાતાં ગોલ્ડન એપલ સ્કૂલના સંચાલક સાત આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે સાતેયની શોધખોળ શરૂ કરી હતી. પાંચેય આરોપીઓનો આઠમીએ જામીન પર છુટકારો થયો હતો.