ગોંડલઃ રાજકોટ-ગોંડલ હાઇવે પરના ભુણાવા-ભરૂડી પાસેથી તાજેતરમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એ પછી પોલીસે કેસની તપાસ આદરતાં ખૂલ્યું છે કે, ગોંડલ નગરપાલિકાના બે સદસ્ય અને પેન્ટાગોન નામના કારખાનાના ભાગીદાર અને મળતિઓએ ચોરીની શંકાના કારણે રાજસ્થાનના રસોઈયા અને શ્રમિક યુવાન શંકરરામ ચૌહાણની પાઈપ અને ધોકાના ઘા મારીને તેની હત્યા કરીને તેનો મૃતદેહ સગેવગે કર્યો હતો.
પોલીસે ત્રણ જણાની આ કેસમાં ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ પણ મેળવ્યા છે. પેન્ટાગોનના ભાગીદાર વિનોદ ગોપાલભાઈ ડઢાણિયા, આશિષ જમનાદાસભાઈ ટીલવા અને ગોંડલના ભોજરાજપરામાં રહેતા અક્ષય ઉર્ફે ભાણો રમણિકભાઈ ચોવટિયાની પોલીસે ધરપકડ કરી હતી. સુમરા સોસાયટીમાં રહેતા નગરપાલિકાના સભ્ય અને વીજળી શાખાના ચેરમેન રવિ પ્રવીણભાઈ કાલરિયા, પુનિતનગર પાછળ રહેતા કોંગ્રેસી સદસ્ય શૈલેષ રોકડ અને ભોજપરામાં ચબૂતરા પાસે રહેતા અશોક રૈયાણી સામે હત્યામાં સામેલ હોવાનો ગુનો નોંધાયો છે.