ગોંડલઃ નવલખા પેલેસમાં બગી, ટોય, પાઘડી, સહિતના મ્યુઝિયમ કાર્યરત છે. જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. આ મ્યુઝિયમમાં લોકોને રાજવી કાળની ઝાંખી જોવા મળી રહી છે. ગોંડલમાં મહારાજા સાહેબ જ્યોતિન્દ્રસિંહજી તેમજ મહારાણી સાહેબ કુમુદકુમારીજી દ્વારા દેશ વિદેશમાંથી આવતા પર્યટકો અને લોકો રાજવીકાળને તાદ્દશ કરી શકે તેવા આશયથી દરબારગઢ નવલખા પેલેસમાં જુદા જુદા વિભાગમાં અવનવા મ્યુઝિયમ ખોલવામાં આવ્યા છે જેમાં ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે.
ટી પોટ મ્યુઝિયમ અંગે પેલેસના મેનેજર ભાવેશભાઈ રાધનપુરે જણાવ્યું હતું કે, ગોંડલના મ્યુઝિયમમાં ૧૦૦-૨૦૦ વર્ષથી પણ પૌરાણિક વસ્તુનો સંગ્રહ કર્યો છે. ટી પોટ મ્યુઝિયમની અંદર સૌથી પણ વધારે ટી પોટ રખાયા છે આની સાથે વિવિધ વર્ષના કેલેન્ડર દર્શાવતી ડીશ પણ રાખવામાં આવી છે. ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી જે પ્લોટમાં ભોજન કરતા હતા તેને પણ રાખવામાં આવી છે અને અનેક વસ્તુઓ પર ગોંડલ રાજ્યનો સિમ્બોલ પણ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ગોંડલનો ઓર્કડ પેલેસ એન્ટિક કાર કલેક્શન માટે પણ વિશ્વ વિખ્યાત છે. ગાડીઓ જોવા માટે દેશવિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે. ક્રિકેટર સ્ટીવ વો, સલમાન ખાન, મિથુન ચક્રવર્તી સહિતના ફિલ્મી સિતારાઓ પણ રાજવી પરિવારનું અદભુત કલેક્શન જોઈ આશ્ચર્યચકિત થઈ ચૂક્યા છે.