ગોંડલઃ શહેરના નવલખા પેલેસમાં પાઘડી-સાફાનું અનોખું મ્યુઝિયમ દશેરાથી ખૂલ્લું મુકાશે. જેમાં રાજા-રજવાડાના વખતની પાઘડી, સાફાઓ જોવા મળશે. આ સાથે ટી-પોસ્ટ મ્યુઝિયમમાં દેશ-વિદેશનાં કપ રકાબીઓનો સંગ્રહ પણ જોવા મળશે.
પેલેસમાં હાલમાં મહારાજા સર ભગવતસિંહજી મ્યુઝિયમ, બગી મ્યુઝિયમ, ટોયકાર, પિતળના વાસણો, બર્ડઝ એગ્ઝ, ડોલ કલેક્શન વિ. પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ત્યારે પાઘડી-સાફાનું મ્યુઝિયમનો ઉમેરો થઈ રહ્યો છે. જેમાં ગોંડલના સંગ્રામજી ઠાકોર સાહેબ, મહારાજા ભગવતસિંહજી, ભૂવનેશ્વર પીઠનાં ચરણતીર્થ મહારાજ, જામ વિભાજી, વિરપુર સ્ટેટનાં હમીરજી જાડેજા, જેતપુરના કાઠી લક્ષ્મણવાળા, કવિ કલાપી, ભાવનગરનાં મહારાજા તખ્તસિંહજી, પાટડી દરબાર સાહેબ, વડોદરા સ્ટેટનાં સયાજીરાવ ગાયકવાડ સહિતના રાજા - રજવાડાઓની ઉપરાંત સરવૈયાની પાઘડી, તળાજા-મહુવા, જેઠવાની પાઘડી, લીંબડીની ઝાલાવાડી, ધ્રાંગધ્રાની છોગાવાળી વિગેરે પાઘડી - સાફા જોવા મળશે.
મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને મહારાણી કુમુદકુમારીજી દ્વારા રાજા રજવાડાની સદીઓ જૂની ૧૫૦૦થી વધુ તસવીરોમાંથી ૫૦ પસંદ કરીને કારીગારો પાસે પાઘડી, સાફા પહેરેલાં મહોરાં તૈયાર કરાવાયાં છે.