સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી નીકળીને હીરાનગરી સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની ટોચની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લિ.ના સ્વપ્નદૃષ્ટા ગણાય છે. ધરતીપુત્રમાંથી હીરાઉદ્યોગમાં આભને આંબતી સફળતા મેળવનાર ગોવિંદભાઇ સાથે એબીપીએલ પરિવાર ઘનિષ્ટ નાતો ધરાવે છે તે ઉલ્લેખનીય છે.
તાજેતરમાં જ એબીપીએલ ગ્રૂપના ઉપક્રમે ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડ્સમાં ગોવિંદભાઇની પ્રેરણાદાયી આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોરએવર, સો આર મોરલ’નું લોકાર્પણ યોજાયું હતું. ગુજરાત સમાચારની સુવર્ણ જયંતી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ શાનદાર સમારંભમાં એશિયન લોર્ડ્સ અને બ્રિટિશ ભારતીય સમુદાયના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મિત્રો-સ્વજનોમાં ગોવિંદકાકાના પ્રેમાળ નામે જાણીતા ગોવિંદભાઇએ તેમની કંપનીનું નામ શ્રી રામકૃષ્ણ (SRK) એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ રાખ્યું છે. આ નામ પાછળનો ઉદ્દેશ સમજાવતા ગોવિંદકાકા કહે છે કે શ્રીનો અર્થ લક્ષ્મીજી અને રામ-કૃષ્ણનો અર્થ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ થાય છે. તેમના પરિવારમાં હરિકૃષ્ણ એક્સપોર્ટ તેમના ભત્રીજાની ફર્મ છે. બાલકૃષ્ણ એક્સપોર્ટ તેમના કઝિનની અને શ્રીકૃષ્ણ એક્સપોર્ટ તેમના સાળાની છે.
‘ડાયમંડ બુર્સથી હીરાનગરની સૂરત બદલાઇ જશે’
ગોવિંદભાઇ માને છે કે સુરત ડાયમંડ બુર્સના આગમનથી આ હીરાનગરીની સૂરત બદલાઇ જશે. શહેરના આર્થિક વિકાસને વેગ મળશે. તેમનું કહેવું છે કે કોઇ પણ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે તેનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ જે તે શહેર-નગરને પણ મળતા હોય છે. તે જ રીતે એસડીબીથી સુરતને પણ ઘણા ફાયદા થશે. ડાયમંડ બુર્સના આગમનથી એરપોર્ટ, હોટેલ બિઝનેસ, રેસ્ટોરાં બિઝનેસને તો સીધો લાભ થશે જ સાથે સાથે જ સ્થાનિક સ્તરે 10થી 20 હજાર નવી રોજગારી પણ ઉભી થશે. આ ઉપરાંત દેશવિદેશના લોકો મોટી સંખ્યામાં અહીં આવશે તેથી સુરતનો બિઝનેસ પણ ફૂલશેફાલશે.
ગોવિંદભાઇ માને છે કે આનંદ એ જ જીવન છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં પુસ્તક લોકાર્પણ સમારંભ દરમિયાન તેમણે રજૂ કરેલા વિચારો સહુ કોઇ માટે પ્રેરણાદાયી છે. બાળકો માટે મૂલ્યોની વાત કરતા તેમણે કહ્યું હતું, ‘આનંદ એ જ જીવન છે. હું હંમેશાં મારા પરિવારના યુવા સભ્યોને કદી ભૌતિક પદાર્થો સાથે નહિ જોડાવાને કહું છું. તેનાથી તમારું જીવન સરળ થઈ શકે પરંતુ તેનાથી જીવનમાં કદી આનંદ મળતો નથી. તમારું જીવન પરિવારથી બને છે. મેં કદી નાના બાળકોને કોઈ સલાહ આપી નથી અને હું જ્યારે પણ બહાર જાઉં છું ત્યારે હું 2-3 બાળકોને મારી સાથે જ લઈ જાઉં છું અને તેમને બરાબર સાંભળું છું.’