ગૌપ્રેમીના મૃત્યુ બાદ બેસણામાં ગાયે પણ બેસીને આંસુ સાર્યાં

Tuesday 14th May 2019 09:07 EDT
 
 

કેશોદઃ કેશોદનાં આંબાવાડીમાં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાયની સેવા કરતા હતા. તેમને ઘેર વર્ષોથી એક રખડતી ભટકતી ગાય આવી ચઢતી હતી. ઉકાભાઈ તેને રોટલા-રોટલી ખવડાવતા. તાજેતરમાં ઉકાભાઈનું મૃત્યુ થયું. સામાજિક રીતિરિવાજો મુજબ તેમને ઘેર રોજ બેસણું રાખવામાં આવતું હતું. આ બેસણામાં એ ગાય અચૂકપણે રોજ આવી જ જતી. ઉકાભાઈના પુત્રો પાસે બધા ખરખરો કરવા આવે એ વખતે આ ગાય પણ મૂગા મોઢે આંસુ સાર્યા કરતી હતી. ક્યારેક ઉકાભાઈના પુત્રોનાં મોઢાને જોઈ તેની સામે ઊભી રહે. ક્યારેક ઉકાભાઈના ફોટા પાસે આવીને બેસી રહે તો ક્યારેક બાજુમાં જગ્યા ન હોય તો થોડે દૂર ગાદલા પર બેસી જાય. જાણે ઘરનું જ સભ્ય મોઢે આવનાર પાસે બેસે એ જ રીતે ગાય ત્યાં બેસી જાય.

ઉકાભાઈના પુત્ર ગિરીશભાઈએ કહ્યું કે, મારા પિતા આ ગાયને રોજ રોટલી આપતા અને ખૂબ લાડકોડથી રાખતા. પિતાની વિદાયથી અમને દુઃખ થયું એટલું દુઃખ આ ગાય અમારી નજર સમક્ષ વ્યક્ત કરી રહી છે. માનવી પ્રત્યે મૂગા પશુની સંવેદના કેટલી તીવ્ર હોઈ શકે એનો આ બોલતો પુરાવો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter