ધોરાજી: ધોરાજી સેશન્સ કોર્ટે છઠ્ઠીએ ગૌહત્યાના કેસમાં આરોપીને દશ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ગૌહત્યા અધિનિયમના કેસમાં પુરાવા હકીકત ધ્યાને લઇને આરોપી સલીમ કાદરને દશ વર્ષની સજા તથા રૂ. બે લાખ બે હજારનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગૌહત્યા કેસ મામલે સજામાં સુધારા અધિનિયમ લાગુ થયા પછીની આ સૌપ્રથમ સજા છે.
આ અંગે ધોરાજીના સરકારી વકીલે જણાવ્યું હતું કે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમંતકુમાર દવે સમક્ષ ધોરાજીના ગૌહત્યાના કેસની સુનવણી શરૂ થતાં કોર્ટે સલીમ કાદરને ગુનેગાર ઠેરવ્યો હતો અને તેના કૃત્યને અત્યંત ઘૃણાસ્પદ કહીને સજા ફરમાવી હતી. ઘટના એવી હતી કે આરોપીના ઘરે દીકરીના લગ્ન હતાં ત્યારે તેણે ફરિયાદી સતારભાઈ માજોઠીના ઘરેથી વાછરડી ચોરી હતી. વાછરડીને મારીને તેની બિરયાનીની લગ્નમાં આવેલા મહેમાનોને મિજબાની આપી હતી.
આ અંગે ફરિયાદી સતારભાઈ માજોઠીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફોરેન્સિક તપાસમાં સતારભાઈની વાછરડીની જ હત્યા કરીને તેના અંશો ફેંકી દેવાયેલા જણાઈ આવ્યા હતા. આ તપાસ દરમિયાન સલીમ કાદરનું કૃત્ય પકડાઈ ગયું હતું.