ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે ભાવનગરમાં કાર્યક્રમ યોજાયો

Wednesday 20th September 2017 09:21 EDT
 
 

ભાવનગર: સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ સેમિનાર, બી ૨ બી મિટિંગ્સ અને જોબફેરની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને સમર્થન આપવું, સમાજમાં નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તેમજ સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી એ આ સમિટના મુખ્ય ઉદ્દેશો છે.
આ સમિટના પૂર્વ આયોજન માટે ભાવનગરમાં સરદાર પટેલ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટમાં ૧૭ સપ્ટેમ્બરે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહીં સિવિલ સર્વિસ કેન્દ્રનું પણ ઉદઘાટન કરાયું હતું. કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ ગોવિંદભાઈ કાકડિયા, વી. એસ. લાખાણી, ભીખાભાઈ લાખાણી, બી. પી. જાગાણી, રમેશભાઈ મેંદપરા, જે. ડી. પટેલ, વિનુભાઈ (એપોલો), સરદારધામના સભ્યો, સરદાર પટેલ સેવા ટ્રસ્ટ તથા કેળવણી મંડળના ટ્રસ્ટીઓ સહિત ભાવનગર શહેરના વિવિધ ક્ષેત્રના ૧૦૦૦થી વધારે ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આયોજકો દ્વારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે માહિતીસભર પ્રેઝન્ટેશન અપાયું હતું. જેમાં હાજર મહેમાનોએ સમિટ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. ભાવનગરના પાટીદાર સમાજ તરફથી આ વિકાસલક્ષી આયોજનને સારો પ્રતિસાદ મળ્યો હતો. સરદારધામ દ્વારા યોજાનારા આ સમિટમાં ૩ લાખથી વધારે મુલાકાતીઓ તથા ૩૨ દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા બિઝનેસ ડેલીગેટ્સના આગમન માટે તૈયારી કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter