ભાવનગર: ઘોઘા-દહેજ રો-પેક્સ સેવાને મળી રહેલા સાનુકૂળ પ્રતિસાદ બાદ ગુજરાત સરકાર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ઇન્ડીગો સીવેઝના સંચાલકોની ૧૬મીએ મળેલી બેઠકમાં ઘોઘાથી હજીરાની પેસેન્જર ફેરી સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું હતું.
સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને સુરત સાથે દૈનિક વ્યવહારો હોય છે અને મુસાફરોની આવન-જાવન પણ મોટા પ્રમાણમાં રહે છે. સડક માર્ગે ભારણ ઘટાડવા માટે ઘોઘાથી દરિયાઈ પરિવહનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે અને તેનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
ઘોઘાથી હજીરા વચ્ચે ૬૭ નોટિકલ માઇલનું દરિયાઈ અંતર છે, જે ઇન્ડીગો-૧ નામનું પેસેન્જર જહાજ ૩.૧૫ કલાકમાં અંતર કાપી શકશે. આ જહાજની મુસાફર ક્ષમતા ૨૨૦ની છે, અને ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘા રોજની એક ટ્રિપ શરૂ કરવામાં આવનાર છે.
ભાવનગરથી સુરત પહોંચવામાં સડકમાર્ગે સાતથી આઠ કલાક જેટલો સમય લાગતો હતો. હવે દરિયાઈ માર્ગે મુસાફરોને પહોંચતા માત્ર ૩.૧૫ કલાક અને અન્ય ૪૫ મિનિટ ગણીએ તો પણ ૪ કલાકમાં ભાવનગરથી સુરત આરામથી પહોંચી શકશે.
સુરત-ભાવનગરને જોડતી કડી
ઘોઘાથી દહેજની ફેરી સર્વિસ ચાલુ છે જ અને મુસાફરો તેનો મોટી સંખ્યામાં લાભ પણ લઈ રહ્યા છે, પરંતુ દહેજથી સુરત વચ્ચેનું ૧૨૦ કિ.મી.નું અંતર સડકમાર્ગે કાપવું પડતું હોવાથી કંટાળાજનક લાગી રહ્યું હતું. આ અંતર અક્સમાતની સંભાવના પણ રહે છે, પરંતુ ઘોઘાથી ડાયરેક્ટ એસ્સાર ટર્મિનલ હજીરા સુધી પેસેન્જર ફેરી શરૂ કરવામાં આવનાર હોવાથી સડકમાર્ગનું અંતર માત્ર ૭ કિમી જેટલું રહી જશે.