અમદાવાદઃ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ બંદર સુધીની દરિયાઈ મુસાફરીનાં બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સેવાનો શુભારંભ કરતા કહ્યું હતું કે, યાત્રાધામોને જોડવા માટે હવે આગામી દિવસોમાં કચ્છ, પોરબંદર, સોમનાથ અને દ્વારકાને પણ આવી જ સેવાથી જોડવાનું આયોજન છે. આ ફેરી સર્વિસનો લોકાર્પણ કરાવીને પ્રથમ સર્વિસ જહાજમાં જનારા લોકો - વાહનોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સેવા શરૂ થવાથી ઘોઘા અને દહેજનું માર્ગનું જે અંતર ૩૬૦ કિલોમીટર છે તે દરિયાઈ માર્ગે ઘટીને માત્ર ૨૨ નોટિકલ માઇલ એટલે કે ૩૧ કિલોમીટર થઇ ગયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ટૂંકા અંતરની સફર સરળ બનશે અને સમયની સાથે સાથે મહામૂલા પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે. હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે.
રોડ માર્ગે આ રૂટનું અંતર કાપતાં સાતથી આઠ કલાક લાગતા હતા તેના બદલે હવે દરિયાઈ માર્ગે લોકો આ રૂટ પર દોઢથી બે કલાકમાં જ પહોંચી જશે. ઘોઘા-દહેજ ફેરી સેવામાં ઉપયોગમાં લેવાયેલું આ સમુદ્રી જહાજ વેસલ્સ વોયેજ સિમ્ફની ૧૦૮ મીટર લાંબુ અને ૨૦ મીટર પહોળું છે.
આ જહાજમાં ૫૦૦ જેટલા મુસાફરો અને ૮૦૦ લેન મીટર એટલે કે ૮૦ ટ્રક અથવા ૧૦૦ પેસેન્જર વાહનોની વહન ક્ષમતા છે. ૭૨ વીઆઈપી, ૩૨૦ એક્ઝિક્યુટિવ અને ૯૬ ઇકોનોમી ક્લાસની બેઠક વ્યવસ્થા છે. આ પ્રવાસ માટે મુસાફર દીઠ રૂ. ૨૦૦, ટ્રક-બસ માટે રૂ. ૩૦૦૦ કારના
૪૦૦ અને ટુ-વ્હિલરના ૨૦૦ રૂપિયા પ્રતિ ટ્રીપનું ભાડું નક્કી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે હાલ રોજના ૧૨,૦૦૦ લોકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે મુસાફરી કરે છે. તેમજ ૫૦૦૦થી વધુ વાહનો આ રૂટ પર આવ-જા કરે છે. આ જહાજમાં ફૂડ કોર્ટ પર તૈયાર કરાયો છે.
આકસ્મિક દુર્ઘટના બને તો માત્ર ૧૫ મિનિટમાં જ ૫૨૫ લોકોને બચાવી શકવાની ક્ષમતા આ જહાજની છે. રો- પેક્સ ફેરીને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાઈ છે. હવે આવતા મહિને ડિસેમ્બરમાં હજીરાથી ઘોઘા અને ભવિષ્યમાં મુંબઇથી ઘોઘાની ફેરી શરૂ કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.