ભાવનગર: ઘોઘાના ૭ સાથે ૨૦ ગુજરાતીઓ સહિતના ૬૧ ભારતીયો ૧૮ માસથી સાઉદી અરબમાં ફસાયા હોવાના અહેવાલ છે. ઘોઘાના સરપંચે આ ૭ વ્યક્તિઓની મુક્તિ માટે વિદેશ પ્રધાનની મદદ માગી છે. વર્ક પરમીટ રિન્યુ ન થવાને કારણે ૧૮ મહિનાથી ૬૧ ભારતીયોને છોડાવવા રજૂઆત થઈ રહી છે. સમાચારો પ્રમાણે ૬૧ ભારતીય લોકો સાઉદી અરબના રિયાધમાં પ્રાઈવેટ કંપનીના કમ્પાઉન્ડમાં ૧૮ મહિનાથી બેકારીની હાલતમાં દિવસો પસાર કરી રહ્યાં છે.
વર્ક પરમીટ રિન્યુ ન થતાં કોઈ પણ પગાર કે આવક વગર ૧૮ મહિનાથી ફસાયેલા આ લોકો માટે ઘોઘાના સરપંચ અન્સાર રાઠોડે વિદેશ પ્રધાનને પત્ર લખી રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને નકલો પાઠવી છે. આ પત્રમાં કામદારોની દુર્દશા માટે તાકીદે ધ્યાન આપવા જણાવ્યું છે. રિયાધમાં ખાનગી કંપનીમાં આ કુલ ૬૧ ભારતીયોને કંપનીએ નોકરીમાંથી છૂટા કરી દેતા આ તમામ દયનીય સ્થિતિમાં છે. હાલમાં સાઉદી અરબની સ્થાનિક લેબર કોર્ટમાં આ શ્રમિકોને ખોરાક, પાણી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અગાઉ તો આ શ્રમિકોની હાલત કામ, ધંધા, આવક, ખોરાક વગર દયનીય હતી.