સાવરકુંડલાઃ લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો. ઉતરક્રિયા વખતે ગુજરાતભરમાંથી અશ્વપ્રેમીઓને આમંત્રણ આપ્યું હતું.
એક જમાનામા રજવાડાઓ પ્રવાસ માટે ઘોડી-ઘોડાઓનો ઉપયોગ કરતા હતા. જેને પગલે રાજવી પરિવારો, મોભાદાર લોકો અને અશ્વના માલિકો તેને પરિવારના એક સભ્યની જેમ સાચવતા હતા.
લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામે વિનુભાઇ ભાદાણી પણ અશ્વનો શોખ ધરાવે છે. તેમની પાસે ઘણા પાણીદાર અશ્વો છે.
તાજેતરમા તેમની માનીતી ઘોડી કાજલ મૃત્યુ પામી હતી. જેનાથી આ પરિવાર શોકમગ્ન બન્યો હતો. માનવીય મૃત્યુ પછી જે પ્રકારે ધાર્મિકવિધિ યોજાઇ છે તેવી જ ઉતરક્રિયા અને પાણીઢોળની વિધિ તેમણે મૃતક ઘોડી પાછળ રાખી હતી. કાજલની અંતિમવિધિમાં સામેલ સૌએ વિનુભાઈના અશ્વપ્રેમને બિરદાવ્યો હતો અને કાજલને શ્રદ્ધાંજલિ આપી હતી. વિનુભાઇ અને તેમના પરિવારે કાજલની દસાથી લઈને બારમું સુધીની વિધિ કરી હતી. પરિવારના સભ્યોએ ગોર મહારાજને બોલાવીને તેની પાછળ પિંડદાન અને તર્પણ કર્યું હતું.