કોટડાસાંગાણીઃ ચાની કેબિન ધરાવતા યુવાન મચ્છો ભૂડિયાએ તાજેતરમાં નેપાળમાં રમાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધાનું આયોજન કાઠમંડુ યુનાઇટેડ ગેમ્સ એસો. દ્વારા થયું હતું.
મચ્છો શાપર વેરાવળ વિસ્તારમાં ચાની કેબિન ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. ૨૫ વર્ષના આ દોડવીરની ઘરની પરિસ્થિતિ આર્થિક રીતે અત્યંત નબળી હોવાથી તેણે નેપાળ જવા માટે પોતાની એક ગાયને રૂ. ૨૫ હજારમાં વેચી દીધી હતી, પણ ગાય તેના પરિવાર સાથે એટલી હળીમળી ગઈ હતી કે જેણે તેને ખરીદી હતી તેના ઘરેથી ગાય એક દિવસમાં જ પાછી આવી ગઈ હતી. ગાય પરત આવતાં મચ્છો ભુડિયાએ રૂ. ૨૫ હજાર પરત આપી દેવા પડ્યા હતા અને નેપાળની સ્પર્ધામાં ભાગ લેવાનું તેનું સપનું પણ સાઈડમાં મુકાઈ ગયું, પણ તે જ્યાં ચા આપવા જતો હતો તે યશ એન્જિનિયરિંગના માલિક ભરતભાઈ મોદીએ તેની હકીકત જાણી અને રમતપ્રેમી ભરતભાઈએ નેપાળ જવાનો ખર્ચ ઉપાડી લીધો હતો. આ પછી મચ્છો સખત મહેનત કરી અન નેપાળ પહોંચ્યો હતો. જ્યાં તેણે ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. પિતા કાળુભાઈ અને માતા મંજુબહેનનું પુત્ર મચ્છોએ સપનું પણ સાકાર કર્યું હતું.