ગાંધીનગરઃ વિધાનસભામાં પવિત્ર યાત્રાધામોને જોડતા રસ્તાઓ મુદ્દે ચાલતી ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મા ચામુંડાના ધામ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટને મંજૂરી આપ્યાનું જાહેર કર્યું હતું. વિધાનસભામાં પહેલી એપ્રિલે પ્રશ્નકાળ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ચોટીલા યાત્રાધામ અને માર્કેટ યાર્ડ વચ્ચે સ્થાનિક ટ્રાફિક માટે સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બાયપાસ તૈયાર કરવાનો પણ વિચાર હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન રૂપાણીની જાહેરાત બાદ ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ તેમનો આભાર માનતા કહ્યું કે, ચોટીલા એ યાત્રાધામ ઉપર નભતુ શહેર છે. ત્યાં બાયપાસને બદલે હયાત રસ્તા ઉપર બીજી કોઈ વ્યવસ્થા થાય તો સૌના ધંધા-રોજગાર જળવાઈ રહેશે. ચોટીલાના હાઇ-વે સંદર્ભે પુછાયેલા સવાલના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, રાજકોટ-અમદાવાદ છ લેઈન હાઈવેનું કામ પૂર્ણતાને આરે છે. ચોટીલામાં યાત્રાધામ અને શહેર તેમજ અલાયદો બાયપાસ બાંધવા વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં શક્તિપીઠ પાવાગઢ, અંબાજીમાં દાયકા અગાઉથી રોપ-વે કાર્યરત છે. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં યાત્રાધામ ગીરનારમાં રોપ-વે કાર્યરત થયા બાદ ચોટીલા માટે મંજૂરી મળતા આવનારા બે-ત્રણ વર્ષ પછી વૃદ્ધ અને અશક્ત શ્રદ્ધાળુ ડુંગર ઉપર જઈને માતાજીના દર્શન કરી શકશે.