રાજકોટઃ ઉનાળો શરૂ થઇ રહ્યો છે ત્યાં જ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાણીની અછત વ્યાપી રહી છે. ઉનાળામાં નર્મદા નદીનું પાણી પૂરું પાડવામાં રાજકોટ મહાપાલિકાની સ્થિતિ હંમેશા ચિંતાજનક રહે છે. હજી તો ઉનાળો દસ્તક દઇ રહ્યો છે ત્યારે નર્મદાના પાણીના અત્યારથી ધાંધિયા શરૂ થયા છે. અવારનવાર પાઇપલાઈનમાં લિકેજને લીધે વિતરણ વ્યવસ્થા ભાંગી પડે છે ત્યારે હવે કેનાલોમાં લેવલ ડાઉન થઈ જતાં રાજકોટ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિતના ચાર જિલ્લામાં આગામી દિવસોમાં પાણી વિતરણ જાળવવામાં તંત્રને મોટા પડકારનો સામનો કરવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચારેય જિલ્લાઓમાં પાણી પૂરવઠો પહોંચાડતી ધ્રાંગધ્રા કેનાલનું લેવલ ગત સપ્તાહે શૂન્ય થઈ ગયું છે અને પાણીની આવક તદ્દન બંધ થઈ હતી. આ ઉપરાંત મોરબીથી ચાર કિ.મી. દૂર માળિયા બ્રાન્ચ કેનાલનું લેવલ પણ ઘટી ગયું હતું, આથી તંત્રને પમ્પ ચાલું હોવા છતાં પણ બંધ કરવા પડયા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિતરણ વ્યવસ્થા સૂચારું રીતે ચલાવવા માટે ધ્રાંગધ્રા કેનાલનું લેવલ સવાથી લઈને દોઢ મીટર તેમ જ માળિયા કેનાલનું લેવલ બે મીટરનું હોવું જરૂરી છે, પરંતુ ઉપરથી ઓછું પાણી છોડવામાં આવતાં તેમ જ ખેડૂતો દ્વારા બેફામ પાણીચોરી કરાતાં આ લેવલમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે.