પોરબંદરઃ પોરબંદરમાં યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બની ચૂકેલા ચાર પેરા સ્વીમરોએ ૧૨ કલાક ૨૬ મિનિટમાં ઈંગ્લિશ ચેનલ તરીને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે. ઈંગ્લિશ ચેનલ પાર કરનાર એશિયાની પ્રથમ પેરાસ્વીમર ટીમ બની છે. ૩૩ વર્ષીય જગદીશ તેલી (કેરળ) અને તેમની ટીમના સત્યેન્દ્રસિંહ (મધ્ય પ્રદેશ) ચેતન રાઉત (મહારાષ્ટ્ર) રીમો શાહા (પશ્ચિમ બંગાળ)એ બ્રિટનના ડર્બીશાયર શહેરના સેમ્ફાયરથી ફ્રાંસના ઓઢીંગમ બીચ સુધીની સફર ૧૨ કલાક ૨૬ મિનિટમાં પૂર્ણ કરી હતી. આ સ્વિમિંગ સફર ૩૬ કિલોમીટરની હતી, પરંતુ તેજ હવાનાં કારણે એસ શેપમાં સ્વિમિંગ કરવું પડયું હતું. જેથી સફર ૪૫ કિલોમીટર સુધી ચાલી હતી. જગદીશે જણાવ્યું કે ૬૦ ટકા અંતર કાપ્યા બાદ અચાનક હવાની રુખ બદલાતા છેલ્લા પાંચ કિલોમીટરની સફર પૂર્ણ કરવામાં ૪ કલાક સુધીનો સમય લાગી ગયો હતો.
બર્ફીલું પાણી અને ધુમ્મસના કારણે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જગદીશે સફળતાનો શ્રેય માતા-પિતા પોતાના કોચ મહેશ પાલીવાલ, પ્રેમ ગંજીકર, લીના શર્મા અને રોહન મોરેને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ટીમ એશિયાની પહેલી પેરાસ્વિમિંગ ટીમ છે કે જેમાં બધા તરવૈયાઓ દિવ્યાંગ છે.