ગોંડલ: અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. શિશુમંડળના એક બાળકે સૌને સાનંદઆશ્ચર્ય ચકિત કર્યાં છે. આ બાળક જામનગર બી.એ.પી.એસ. મંદિરના શિશુમંડળનો સભ્ય છે. તેની ઉંમર ચાર વર્ષની છે અને તેનું નામ પદ્મનાભસિંહ હરિશ્ચંદ્રસિંહ જાડેજા છે. ભવન્સ એ. કે. દોશી વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં તે અભ્યાસ કરે છે. પદ્મનાભસિંહ બે વર્ષનો હતો ત્યારથી નિયમિત રીતે પૂજા અર્ચના કરે છે.
જ્યારે તેને ભવન્સમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે રોજેરોજ તિલક સાથે જ ભણવા જતો હતો. પદ્મનાભને એક વખત વર્ગશિક્ષિકાએ આ બાબતે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તિલક કરવા સાથે તેને પૂજા અર્ચના કરવી ગમે છે. શિક્ષિકાએ પૂછ્યું કે શું પૂજા કરે છે ત્યારે પદ્મનાભે ઈશ્વર આહવાન મંત્ર, માળા, પ્રદક્ષિણા, દંડવત, પ્રાર્થના તથા વિસર્જન શ્લોક અને ત્યારબાદ માતા-પિતાને પ્રણામ કરવા અંગેની વાત કરી. શાળાના વાર્ષિકોત્સવમાં શિક્ષિકાએ બાળકને સાધુ જેવો પહેરવેશ પહેરાવી શ્લોકોનું ઉચ્ચારણ કરાવ્યું અને તેને પ્રાર્થના બોલવા માટે કહ્યું. સૌનાં આશ્ચર્ય વચ્ચે પદ્મનાભે ૫૦૦થી વધુની જનમેદની વચ્ચે ઇશ્વરીય પૂજા - અર્ચના માટેના મંત્ર પ્રાર્થના કરી. વિસર્જન મંત્ર એકદમ સુંદર છટાથી રજૂ કર્યાં.
ગોંડલ અક્ષરદેરી મહોત્સવમાં પણ બાળકને આમંત્રણ અપાયું હતું અને સંસ્થા તરફથી તેને રૂ. ૧૧૦૦૦નો પુરસ્કાર જાહેર કરાયો હતો.