ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેશલેસ અર્થ વ્યવસ્થા નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે, પણ દેશના ચૂંટણી પંચ દ્વારા જ આ નીતિને વધુ સમર્થન ન હોય તેવું તાજેતરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. એવો બનાવ બનવા પામ્યો હતો. જેનો શિકાર કેશલેસ નીતિથી ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા જૂનાગઢના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ થયા હતા. તેમણે આ કડવા અનુભવ માટે ભારે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મશરૂ ફોર્મની ડિપોઝીટ ખર્ચ સ્વરૂપેના રોકડા રૂપિયા લીધા વગર ઉમેદવારીપત્રક ભરવા ગયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે ડિપોઝીટની રકમ માટે ચેક ફાડ્યો ત્યારે ચૂંટણી અધિકારીએ રોકડ રકમ માગીને કહ્યું કે રોકડ રકમની વ્યવસ્થા કરો પછી જ ઉમેદવારી નોંધાવી શકાશે. આ બનાવ પછી રાજકીય વિષ્લેષકોએ ચર્ચા કરી હતી કે દેશમાં કેશલેસ અર્થતંત્ર પર વડા પ્રધાન મોદી ભાર આપે છે અને એના અમલ માટે આકરાં પગલાં ભરે છે. જેને પ્રજા હસતાં મોઢે સહીને સ્વીકારે છે. પરંતુ રાજયનું ચૂંટણી પંચ જ કેશલેસ નીતિ સ્વીકારતું ન હોવાનો કડવો અનુભવ ખુદ ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઇ મશરૂને થયો છે અને અંતે ચૂંટણી પંચના નિયમો સામે ઝૂકવું પડ્યું છે.
જોકે કેટલાક લોકોએ એવી ઠેકડી ઉડાડી પણ ઉડાડી હતી કે દેશમાં ચેકબુક નાબૂદીના સમાચાર વહેતા થયા હતા તેથી તેમને આવા કડવા અનુભવનો સામનો કરવો પડ્યો હોય એવું બની શકે છે.