ગાંધીનગરઃ રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના સીમાડે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સીમાડે આવેલા ઢેઢુકી અને ધારાઈ ગામોમાં ૧૯મી નવેમ્બરે ત્રણ સિંહ દેખાતાં રાજ્યના વન વિભાગમાં હલચલ મચી છે. ગીર જંગલથી ૧૭૦ કિલોમીટરનું અંતર કાપી સિંહ ચોટીલાની આસપાસના વિસ્તારોમાં દેખાતાં ખુશી સાથે ભય વ્યાપી ગયો છે. ધારાઈ ગામમાં સિંહે પાડીનું મારણ પણ કર્યું હતું. વન વિભાગના સ્ટાફે સિંહોનો વિસ્તાર કોર્ડન કરી લીધો છે કે જેથી સિંહો ગામમાં ન જાય. જ્યાં સિંહો દેખાયા છે તે સમગ્ર વિસ્તાર વન વિસ્તાર બહારના સામાજિક વનીકરણના વિસ્તારો છે, પણ આ સિંહોને પકડીને પાછા વન વિસ્તારમાં મૂકી દેવા કે કેમ તે અંગે વિચારણા ચાલી છે. આમાં એક સિંહણ અને એક કિશોર સિંહ છે જેઓ ૫૦-૬૦ કિલોમીટર દૂર આવેલા અમરેલી જિલ્લામાંથી રાત્રિના સમયે ચોટીલા તરફ આવ્યા હોવાનું અનુમાન છે.
સિંહ સામાન્ય રીતે દિવસ-રાતમાં ૨૦થી ૪૦ કિલોમીટરના અંતરમાં ફરે છે. વન વિભાગના કહેવા પ્રમાણે બાબરા વીડી-આંબરડી (જસદણ તાલુકો), ઉમઠ (જસદણ), હિંગોળગઢ (જસદણ), ધારાઈ (ચોટીલા), અજમેર (વિંછિયા તાલુકો) રૂટથી આ સિંહો આવ્યા હોવાની શક્યતા છે. સિંહ વિશે જાણકારોના કહેવા પ્રમાણે સામાન્ય રીતે સિંહો કબીલામાં ફરતા હોય છે એટલે આ સિંહોમાં પુખ્ત સિંહ ના હોઈ સિંહણ અને કિશોર સિંહ ભૂલા પડી નવા વિસ્તારમાં આવી ચઢયાં હોવાનું મનાય છે.