મોરબીઃ સામાન્ય રીતે સિંહોનો પ્રજનન સમય ચોમાસામાં શરૂ થતો હોય છે અને પ્રજનન ક્રિડાને ધ્યાનમાં રાખીને, સાવજોને ખલેલ ન પહેંચે તે માટે વન વિભાગ દ્વારા ગીર જંગલ પ્રવાસીઓ માટે ચાર મહિના બંધ કરી દેવામાં આવે છે. ચોમાસામાં જ પ્રજનન કરતા સાવજો આ વર્ષે ૪૩ ડિગ્રી કાળઝાળ ગરમીમાં પણ બૃહદ ગીરની વાડીમાં પ્રજનન કરતાં નજરે પડતાં સિંહપ્રેમીઓમાં આશ્ચર્ય સર્જાયું છે.
સાવરકુંડલા નજીક બૃહદ્દ ગીરમાં ઘોબા વિસ્તારમાં રાજવીના દિલુભાઈ ખુમાણની વાડીમાં સિંહોનો વસવાટ છે. દિલુભાઈની વિશાળ વાડીમાં નીલગીરી અને લીમડાના સંખ્યાબંધ વૃક્ષો છે. વાડીમાં અને આસપાસ લાખો વૃક્ષોના કારણે વાતારવણમાં સારી ઠંડક રહે છે અને તેના કારણે ગરમીમાં પણ સાવજો અહીં વસતા હોય છે. ખાંભા નજીક હાદસંગ વિસ્તારમાં ત્રણ-ચાર દિવસથી જામ્બો નામનો સિંહ અને ભૂરી નામની સિંહણ મેટિંગ કરતા જોવા મળ્યા હતા.
સિંહના અભ્યાસુ ચિરાગ આચાર્યએ જણાવ્યું હતું કે, દિલુભાઈ ખુમાણનો વાડી વિસ્તાર બે હજાર વીઘામાં ફેલાયેલો છે. અહીં પુષ્કળ વૃક્ષો છે. આ વિસ્તાર ગ્રીન બેલ્ટમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે નેંધાતા તાપમાન કરતાં ત્રણથી પાંચ ડિગ્રી ઓછું તાપમાન આ ગ્રીન બેલ્ટમાં હોય છે.
ઠંડક હોવાના કારણે અહીં વસતા સાવજો મેટીંગમાં આવવાની પૂરી શક્યતા છે. બીજું, ઋતુચક્રના પરિવર્તનની સાથેસાથે સિંહોના હોર્મોન્સમાં પણ ફેરફાર થયા હોવાની સંભાવના છે. આ વિસ્તારમાં ઉનાળામાં પણ સાવજોનું પ્રજનન જોવા મળતાં વનવિભાગ પણ વોચ રાખી રહ્યું છે. અત્યારે આ મુદ્દો પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચામાં છે.