ચોરવાડમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી વિશ્વનું સૌથી ઊંચુ શિવલિંગ બનશે

Wednesday 03rd February 2016 08:32 EST
 

ડેડેશ્વર મહાદેવ મંદિરમાં ૨૫ લાખ રૂદ્રાક્ષથી ૩૩.૩૫ ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા એવા શિવલિંગનું નિર્માણ કરાશે. આ શિવલિંગ માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ચુડાસમા, જલ્પાબેન ચુડાસમા, નારણભાઈ ભદ્રેશાના હસ્તે તાજેતરમાં ભૂમિપૂજન કરાયું છે. રૂદ્રાક્ષ શિવલિંગના પ્રણેતા એવા બટુકભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં કાર્યનો પ્રારંભ હતો. રૂદ્રાક્ષનું આ શિવલિંગ આશરે ૧૫થી ૨૦ દિવસમાં તૈયાર થઈ જશે. નિર્માણકાર્યમાં એકસો કાર્યકરો સતત કામે લાગ્યા છે. શિવલિંગના નિર્માણમાં ૨૫ લાખ રૂદ્રાક્ષ સાથે ૪૦ ટન લોખંડનો ઉપયોગ કરાશે. જે સોમનાથ રોડલાઇન્સ મારફત ચોરવાડ પહોંચાડવામાં આવ્યા છે. આ કાર્યમાં ચોરવાડના આગેવાનો, મોમાઈ માતા મઢના ભુવાઆતા ભોજાઆતા વગેરે સહયોગ આપી રહ્યા છે. ધાર્મિક ઉત્સવ ૨૯ ફેબ્રુઆરીએ સોમવારે યોજાશે.દ્વારકાપીઠના શંકરાચાર્યના હસ્તે ઉદ્ઘાટન કરાશે.
• સેવાભાવી દિનેશભાઈ સરવૈયાનું નિધનઃ ૩૦મી જાન્યુઆરીના રોજ ક્રેઈનમાંથી પથ્થર પડતાં ગંભીર રીતે ઘવાયેલા ૪૫ વર્ષના દિનેશભાઈ સરવૈયાનું મૃત્યુ નીપજ્યું હતું. વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને ગૌસેવા સહિત જીવદયા પ્રવૃત્તિમાં તેમજ ગરીબ ને મધ્યમવર્ગના પરિવારોને અનાજ, તબીબી ખર્ચ વગેરે પોતાનું નામ જાહેર કર્યાં વગર દાન કરતા દિનેશભાઈની પહેલી ફેબ્રુઆરીએ અંતિમ યાત્રા નીકળી ત્યારે બગદાણા આશ્રમના મનજીદાદા, શહેરના રાજકીય ને સામાજિક આગેવાનો ઉપરાંત અનેક શ્રમજીવીઓ જોડાયા હતા.
• જામનગરમાં ‘સ્પીપા’ કેન્દ્ર તથા સ્વાઇન ફલૂ લેબોરેટરીઃ જામનગરમાં રાજ્ય આરોગ્ય પ્રદાન નીતિનભાઈ પટેલના હસ્તે પહેલી ફેબ્રુઆરીએ સ્પીપા તાલીમ કેન્દ્ર તથા સ્વાઇન ફ્લૂ લેબોરેટરીનું ઉદઘાટન કરાયું હતું.
• કવિ કલાપીની જન્મ જયંતી ઉજવાઈઃ લાઠીના રાજવી કલાપીની ૧૪૨ની જન્મ જયંતી આરધાના ચેરી. ટ્રસ્ટ તથા કલાપી અને લોક સાહિત્ય સેતુનાં સંયુક્ત ઉપક્રમે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાઈ હતી. આ પ્રસંગે લાઠીમાં યોજાયેલા કાર્યક્રમનું ઉદઘાટન ભાવનગરના પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ કર્યું હતું. કાર્યક્રમમાં કાવ્ય પાઠ અને કલાપી ગાથા રજૂ થયા હતા. આ પ્રસંગે લાઠી ઠાકોર સાહેબ ભૂપેન્દ્રસિંહજીની પુત્રી પ્રિયાલક્ષ્મીબાએ રૂ. એક લાખની રકમ ટ્રસ્ટને અર્પણ કરી હતી. આ પ્રસંગે કલાપી એવોર્ડ માટે ભરતભાઈ ડેરે રૂ. ૫૦,૦૦૦ની રકમ ટ્રસ્ટને આપી હતી.
• જામનગર મનપાનું કરવેરા વગરનું રૂ. ૭૭૪.૪૫ કરોડનું બજેટઃ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પહેલી ફેબ્રુઆરીએ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માટે રૂ. ૭૭૫ કરોડ ૪૫ લાખનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નવા કોઈ કરવેરા નથી. વત્તા, સ્માર્ટ સિટી પ્લાનને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર થયાનો દાવો કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter