રાજકોટઃ વર્ષ ૧૯૯૦માં ગીર જંગલમાં કુલ ૨૮૪ સિંહ હતા તે આ વર્ષે વધીને ૬૭૪ થયાં છે ૧૯૯૦માં ૯થી ૮ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહો જોવા મળતા હતા. ૨૦ વર્ષમાં ઈ.સ. ૨૦૧૦માં સિંહોની સંખ્યા વધીને ૪૧૧ થઈ અને આ સાથે સિંહો ૧૮૫૦૦ ચોરસ કિ.મી. એરિયામાં પહોંચ્યા છે. વર્ષ ૨૦૧૫માં ૨૨૦૦૦ ચોરસ કિ.મી. એરિયા પર સામ્રાજ્ય સ્થાપ્યા બાદ સિંહોની વસ્તી પાંચ વર્ષમાં વધતાં ૬૭૪ થઈ છે અને છેટ સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લામાં પણ સિંહ દેખા દે છે. જાણકારો કહે છે સિંહોની સંખ્યા વધે ત્યારે અન્ય વિસ્તારમાં તે જાય તે સામાન્ય કુદરતી બાબત છે.
સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં હવે સિંહદર્શન થવા લાગ્યા છે. જોકે સિંહની સંખ્યા વધતાં તે જંગલ વિસ્તારમાંથી બહાર પણ નીકળતાં થયાં છે. રાજકોટમાં બે સિંહણ અને ૧ સિંહ એક મહિના પહેલાં આવ્યા પછી આ વિસ્તારને જ રહેઠાણ બનાવી લીધું છે. હવે રાજકોટ પાલિકાના વોર્ડ નં. ૬ની હદ પાસે માંડા ડુંગર, આજી ડેમ પાસે બે સિંહોએ ગાયનો શિકાર કર્યાનું બહાર આવ્યું છે. સિંહો ફરતા હોવાથી માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે માલધારીઓએ મુખ્ય પ્રધાન રૂપાણીને રજૂઆત પણ કરીને જણાવ્યું છે કે, સિંહરક્ષા સાથે ગૌરક્ષા પણ જરૂરી છે.
સિંહ પર શ્વાન ભારે
ગીરના સફારી પાર્કમાં એક સિંહણ અને કૂતરા વચ્ચે જંગ ખેલાઇ હતી અને એમાં સિંહણ પર શ્વાન ભારે પડ્યો હતો. કૂતરો સિંહણ સાથે બાથ ભીડીને બિંદાસ ચાલ્યો ગયો હતો. આ લડાઇ પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી લીધા પછી વાઇરલ થઇ ગઇ હતી. પ્રાણી નિષ્ણાતોના મતે, સિંહો હવે શિકાર કરવાનું ભૂલી રહ્યાાં છે.