વેરાવળઃ કોડીનાર વિસ્તારમાં આશરે ૬૩ ઇંચ જેવા વરસાદથી તારાજી સર્જાયા ઉપરાંત જગતિયા ગામની અંદર તથા આસપાસની કિંમતી જમીનોમાં પાણી ફરી વળવાની ઘટનામાં અંબુજા સિમેન્ટ માઇનિંગ પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જગતિયાના ગ્રામજનો તથા સરપંચ પરબતભાઈ મસરીભાઈએ આ અંગે સ્થાનિક તંત્રને વિસ્તૃત આવેદન પત્ર આપ્યો છે. પત્રમાં ‘અંબુજા સિમેન્ટ’ના જવાબાદરો સામે પગલાં ભરવા અને જગતિયા ગ્રામજનોને થયેલા નુકસાનનું વળતર અપાવવા માગણી કરાઈ છે.
પત્રમાં જણાવ્યું છે કે, કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટ કંપનીની સુગાળામાં માઇનિંગની લીઝ પર લીધેલી જમીનો આવેલી છે. જેમાં જગતિયાના ખેડૂતોની જમીનનો પણ સમાવેશ થાય છે. આ જમીનમાં નિયત કરતાં વધુ ખોદાણ થતાં અને લાઈમ સ્ટોન કાઢી લેવાતાં આસપાસના ખેડૂતોના જમીનમાં આવેલાં કૂવાના તળ ઊંડા ગયા છે. અધૂરામાં પૂરું વરસાદને કારણે માઈનિંગના ખાડાઓમાં પણ પાણી ભરાઈ ગયાં છે. વળી, તેના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરાઈ નથી. માઇન્સના ખાડામાં ભરાયેલા પાણી સાઇડના પાળા તોડી જગતિયા ગામમાં ઘૂસી જતાં જગતિયાની ફળદ્રૂપ જમીનનું ધોવાણ થઈ ગયું છે. તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે.