ભાવનગરઃ ભાવનગરના ૮૪ વર્ષના બુઝુર્ગ બેન્ક કર્મચારીએ એક કરોડ રૂપિયાનું દાન નેશનલ ડિફેન્સ ફંડમાં આપ્યું છે અને હવે સખાવતીએ સમગ્ર ભાવનગરના પ્રજાજનો યોગદાન આપી શકે તે માટે અનોખી યોજના ઘડી છે. આ યોજના મુજબ એક નાગરિક મહિને રૂ. ૫ લેખે આપે અને ફંડ ઊભું થાય. આ યોજનામાં બહોળી સંખ્યામાં લોકો જોડાય તો મોટું ફંડ શહીદોના પરિવાર માટે એકઠું થાય. એવું જનાર્દનભાઈનું કહેવું છે. આવા લોકો માટે તેઓએ અલગ એકાઉન્ટ ખોલવા તૈયારી શરૂ કરી છે અને કલેકટર સાથે પણ બાબતે ચર્ચા કરી છે.
તમામ અસ્કામતોનું દાન
જનાર્દનભાઇ ભટ્ટે જીવનભરની મૂડી જેવા કે શેરબજારમાં રોકાણ, રોકડ અને અન્ય સ્થાવર અને જંગમ મિલકતોનું એક વિલ બનાવી દાન કર્યું છે. જનાર્દનભાઈએ આ અંગે વધુમાં કહ્યું હતું કે, મને ભગવાને સંતાન નથી આપ્યાં, પણ રાષ્ટ્ર માટે ૨૪ કલાક સતત જાગૃત રહેનારા દેશના તમામ જવાનો મારા સંતાનો છે.