વીરપુરઃ સંવત ૨૦૧૩ના નવા વર્ષમાં જલારામ બાપાની ૨૧૭મી જન્મજયંતી સાતમીએ ઉજવવામાં આવી હતી. સમગ્ર વીરપુર ગામે છેલ્લા દસેક દિવસથી આ પ્રસંગ માટે દેશ-દેશાવરમાંથી ભાવિકજનોનો પ્રવાહ અવિરત ચાલુ હતો. મુંબઈ તથા ગુજરાતના ગામ શહેરોમાંથી પદયાત્રીઓ તથા સાઈકલ સવાર બાપાને વંદન કરવા વીરપુરમાં આવી ગયા હતા. બાપાના જન્મદિન નિમિત્તે વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.
૧૬ વર્ષથી કોઈ ભેટ સ્વીકારાતી નથી
ગોંડલથી ૧૮ કિ.મી.ના અંતરે આવેલા વીરપુર જલારામ બાપાના પાવનધામને સૌરાષ્ટ્રનું ગોકુળિયું ગામ કહેવામાં આવે છે. જલારામબાપાની જન્મજયંતીએ અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગામને ચોખ્ખું ચણક રાખવા માટે પણ ખાસ ટુકડી બનાવાઈ હતી. વિક્રમ સંવત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. જોગાનુજોગ તે દિવસે પણ સોમવાર હતો અને આ વખતે બાપાની જન્મજયંતી સોમવારે જ હતી. નોંધનીય છે કે જલાધામમાં ૧૬ વર્ષથી કોઈ પણ પ્રકારની ભેટ આપવી નિષેધ છે અને હજારો ભક્તો અહીંથી પ્રસાદી લીધા વિના જતા નથી.