વીરપુરઃ સંત જલારામ બાપાના વંશજ અને વર્તમાન ગાદીપતિ રઘુરામજીના પિતા જયસુખરામ બાપાનો ૮૮ વર્ષની વયે ૨૭મી ઓગસ્ટે રાજકોટમાં દેહવિલય થયો હતો. જયસુખ બાપા કેટલાક સમયથી અસ્વસ્થ હતા. રાજકોટથી તેમનાં પાર્થિવદેહને વીરપુર લઇ જવાયો હતો. ૨૮મીએ તેમના દેહને દર્શન માટે રખાયો હતો. સોમવારે સવારે તેમના અગ્નિસંસ્કાર થયા. જયસુખરામ બાપાને તેમના પુત્રે મુખાગ્નિ અર્પણ કરી હતી. સોમવારે વીરપુર ગ્રામસભા દ્વારા ધર્મસભા યોજાઈ હતી જેમાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. અંતિમયાત્રામાં મોરારિબાપુ, પૂ. હરિચરણદાસજી બાપુ વગેરે સંતો મહંતો જોડાયા હતા. વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાના પુત્રી રાધિકા બાપાની અંતિમયાત્રામાં દોણી ઉપાડી ચાલ્યા હતા. જલારામ બાપાની જે સ્થળે અંતિમવિધિ કરાઈ હતી તે વડના વૃક્ષ પાસે પરંપરા મુજબ જયસુખરામ બાપાના અંતિમ સંસ્કાર કરાયા હતા.
જયસુખ બાપા અન્નદાનની આહલેક જગાવનારા જલારામ બાપાના પ્રપૌત્ર, હરિરામ બાપાના પૌત્ર અને ગિરધર બાપાના પુત્ર હતા. ત્રણેક વર્ષ પહેલાં જયસુખ બાપાનાં પત્ની જયાબહેનનું અવસાન થયું હતું. જયસુખરામ બાપાના ચાર સંતાનોમાં બે પુત્રો ભરતભાઇ તથા રઘુરામ બાપા તથા બે પુત્રીઓ કીર્તિબહેન અને રસીલાબહેનમાંથી રઘુરામ બાપા જલારામ મંદિરના વર્તમાન ગાદીપતિ છે.
મંદિરમાં દાન લેવાનું બંધ કરાવ્યું
જલારામ બાપામાં આસ્થા ધરાવતા અનેક ભાવિકો દ્વારા માનતાઓ માનવામાં આવતી. આ માનતા માટે ભાવિકો દ્વારા રોકડ સહિતનું દાન જલા મંદિરમાં અર્પણ થતું હતું. જયસુખ બાપાએ આ માટે પરિવારજનો સાથે ચર્ચા કરીને મંદિરમાં દાન લેવાનું બંધ કરાવ્યું હતું. હાલમાં જલારામ મંદિર ખાતે કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.