વીરપુરઃ વિશ્વ પ્રસિદ્ધ જલારામ મંદિર ૧૫મી જૂનથી ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટે જણાવ્યું હતું કે, મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલા ભક્તોને ટોકન અપાય છે. ૫૦ – ૫૦ લોકોનાં ગ્રૂપને ટોકન આપીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરવા દેવાય છે. મંદિરની અંદર સગર્ભા મહિલાઓ, ૧૦ વર્ષથી નાના બાળકોને અને ૬૦થી વધુ વયનાંને પ્રવેશ નિષેધ છે. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે અને માસ્ક ફરજિયાત છે. સરકારના આદેશ અનુસાર હાલ ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. મંદિરમાં દર્શનનો સમય સવારે ૭થી બપોરના ૧ અને બપોરે ૩થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે.
વીરપુર જલારામ મંદિરના ગાદીપતિના કાકીનું નિધન
સુપ્રસિદ્વ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાં સુશીલાબહેન ચાંદ્રાણીનું ૧૩મી જૂને નિધન થયું હતું. વીરપુર જલારામબાપાનાં પરિવારનાં સુશીલાબહેન નટવરલાલ ચાંદ્રાણી (ઉ. વ. ૮૮)નાં નિધનનાં સમાચારથી સમગ્ર રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. નટવરલાલ (પૂજ્ય બટુકબાપા)નાં તેઓ ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમા થાય. ઉલ્લેખનીય છે કે બહુ જૂજ લોકોની હાજરીમાં તેમનાં અંતિમસંસ્કાર થયાં હતાં.