જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) દ્વારા લાલપુરમાં સેવાકાર્યઃ જલારામ મંદિર ગ્રીન ફર્ડ (યુકે) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-લાલપુર દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. ડો. જયસુખ મકવાણા અને તેમની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર આપી, જરૂરિયાતવાળા દર્દીઓને દાંતની બત્રીસી બનાવી અપાઈ હતી. કેમ્પનો લાભ ૧૦૩ લોકોએ લીધો હતો. કેમ્પના દાતા તરીકે શૈલેષ ચંદ્રકાંત બરછા અને અલકાબેન બરછા હતા.
ખંભાળિયાના પીઢ સેવાભાવી તબીબ ડો. રાયઠઠ્ઠાનું અવસાનઃ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર ડો. ગોપાલદાસ મણીલાલ રાયઠ્ઠા (ઉ. ૮૦) (મેનેજીંગ ટ્રસ્ટી- લોહાણા કન્યા છાત્રાલય તથા લોહાણા વિદ્યાર્થી ભવન – ખંભાળિયા) તે ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા તથા વિભાબેન (ડોલી-લંડન), બીનાબેન પરેશભાઈ રાયમંગીયા (જોલી) (વેરાવળ)ના પિતાશ્રી તથા મહેન્દ્રભાઈ મોપુટુ) મુદ્રિકાબેન, તરેજાબેન (આફ્રિકા), સરલાબેન અને સીમાબેન (લીસ્બન)ના મોટાભાઈ તેમ જ હર્ષ અને ભવ્યના દાદાનું તા. ૨૨ માર્ચના રોજ અવસાન થયું છે. સદ્ગતની સ્મશાનયાત્રામાં રઘુવંશી સમાજ, તબીબો, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ટીંબીની હોસ્પિટલનું સેવાકાર્યઃ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (તા. ઉમરાળા) દ્વારા નાના-મોટા ૯૫૦૦થી વધુ સફળ ઓપરેશન કર્યા છે. આ ઉપરાંત ૨૭૦૦થી વધુ સફળ પ્રસુતિઓ કરવામાં આવી છે. હોસ્પિટલમાં વિવિધ રોગોના ૧૮ ડોક્ટરો તથા ૧૫ જેટલા વિઝીટર ડોક્ટરો વિનામૂલ્યે સેવા આપે છે. ડો. નટુભાઈ રાજપરા (એમ.ડી. અમેરિકા), ડો. પંકજ રાવળ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના નિષ્ણાત ડોક્ટરની ટીમના ડો. એરિસી મખીન, ડો. એરીસ સ્વાર્ટ વગેરે દ્વારા કેમ્પમાં નિદાન તથા ઓપરેશન કરવામાં આવે છે.