વીરપુર: જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે ભૂખ્યાને અહીં ભોજન આપવામા આવી રહ્યું હતું. ૨૦૦ વર્ષ પછી કોરોનાની મહામારી વચ્ચે ૨૨મી માર્ચના રોજથી આ મંદિરનું અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યું છે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય પહોંચે તે માટે રૂ. પાંચ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે કુદરતી આફતોમાં પણ આ મંદિર કે અન્નક્ષેત્ર બંધ રખાયું નથી, પણ અન્નક્ષેત્ર બંધ રહેતાં નિરાધારો માટે રૂ. પાંચ કરોડ દાનની જાહેરાત કરાતાં દાનથી પીડિતોને યોગ્ય સહાય મળી રહેશે તેવો અભિગમ વ્યક્ત કરાયો છે. આ ઉપરાંત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા પણ કોરોના વાઈરસ સામે લડવા માટે રૂ. ૧ કરોડના દાનની જાહેરાત કરવામાં આવી છે.