રાજકોટઃ ‘ભજન કરો, ભોજન કરાવો’, આ વાકય બોલવું સરળ છે, પરંતુ તેનું આચરણ કરવું સહેલું નથી. આ વિચારધારા જે અપનાવે તેનું જીવન સાર્થક થઇ જાય. વિશ્વવિખ્યાત વીરપુરના સંત પૂ. જલારામ બાપાએ આવું જીવન અપનાવ્યું અને તેમાંથી કરોડો લોકોને પ્રેરણા મળી. આજે ર૦૦ વર્ષો પછી પણ પૂ. જલારામબાપાના સિદ્ધાંતો એમના મંદિરમાં અને ભકતોમાં જીવંત છે.
પૂ. બાપાની જીવનગાથાથી યુકેના પ્રોફેસર-સંશોધક માર્ટીન વૂડ પણ પ્રભાવિત થયા છે. યુકેની યુનિવર્સિટીના લેકચરર માર્ટીન અત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે છે અને જલારામબાપા પર સંશોધન કરે છે. તેઓ ખ્રિસ્તી છે, પરંતુ સનાતન ધર્મ અને પૂ. જલારામબાપા જેવા વ્યક્તિત્વથી અંજાયેલા છે. માર્ટિન કહે છે કે, ઊર્જાવાન લોકોની હાજરીમાં ઘણા પ્રેરકકાર્યો થતાં હોય છે, પરંતુ જલારામબાપા અત્યારે ભલે હાજર નથી પણ તેમણે શરૂ કરેલી પરંપરા યથાવત છે અને તેનો વ્યાપ વધી રહ્યો છે તે અનોખી ઘટના કહેવાય.
માર્ટીન વૂડે ગુજરાતી હિન્દુત્ત્વ યુકે-ન્યૂ ઝિલેન્ડ પર સંશોધન કર્યું છે. સનાતન ધર્મ પર પણ ઉંડાણથી સંશોધન કર્યું છે અને છેલ્લા ચાર વર્ષથી જલારામબાપા અંગે સંશોધનો કરે છે. વિજ્ઞાનના દૃષ્ટિકોણથી ધર્મનું સંશોધન થાય એ મહત્ત્વની બાબત ગણાય. પૂ. જલારામબાપા વિશે એક સંશોધન પેપર પ્રકાશિત થયું છે, હજુ બે પેપર્સ અંગે કામ ચાલી રહ્યું છે.
તેમણે લેસ્ટર, લંડનમાં જલારામ બાપાના મંદિરોમાં જઇને સંશોધનો કર્યા છે. ભકતોને મળીને તેમની લાગણી જાણી છે. માર્ટીન વૂડ પૂ. વીરબાઇમાનાં જીવનથી પણ ખૂબ પ્રભાવિત છે અને તેમના પર પણ સંશોધન કરશે.