અમદાવાદ,રાજકોટઃ જસદણ વિધાનસભાના હાઈપ્રોફાઈલ પેટાચૂંટણી જંગમાં ભાજપના કુંવરજી બાવળિયાનો ૧૯,૯૭૯ મતોની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસમાંથી પાંચ વખત જસદણના ધારાસભ્યપદે ચૂંટાયેલા અને હવે ભાજપમાંથી ચૂંટણી લડતા બાવળિયાની સામે ઊભા રહેલા કોંગ્રેસના અવસર નાકિયાને ૭૦,ર૮૩ મત મળ્યા હતા. તેમનો ધારાસભાની પ્રથમ ચૂંટણી લડતા પરાજય થયો છે. આ સાથે ગુજરાત વિધાનસભામાં ભાજપી ધારાસભ્યોની સંખ્યા ૯૯થી વધીને ૧૦૦એ પહોંચી છે. વિપક્ષી કોંગ્રેસની એક સીટ ઘટતાં સંખ્યાબળ ૭૬ થયું છે.
વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસમાંથી કુંવરજીને જે લીડ મળી હતી તે આ વખતે ભાજપમાં ભળતાં લીડ ડબલ થઈ છે. વર્ષ ૧૯૯૫થી જસદણમાં સાત વાર ચૂંટણી જંગ ખેલાયો છે, જેમાં છ વખત કોંગ્રેસ તો એક વાર પેટાચૂંટણીમાં ભાજપ જીત્યો હતો. અહીં કુલ ૨.૩૨ લાખ મતદારોમાંથી આશરે ૯૨ હજાર મતો કોળીના છે.
ભાજપે છેલ્લે વિધાનસભા ચૂંટણી વખતે જ પાટીદારોને બાજુએ મૂકીને ઓબીસી સમાજના મતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બીજી તરફ કોંગ્રેસે બાવળિયાને વિપક્ષના નેતા ના બનાવતાં આ તકનો લાભ લઈને ભાજપે કોળી સમાજના આ આગેવાનને કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ આપ્યું હતું જે ભાજપને ફળ્યું છે. જોકે એ સ્પષ્ટ છે કે કોળી મતદારો કોંગ્રેસને નહિ બલકે કુંવરજી બાવળિયાને વફાદાર રહ્યા છે. જેમાં કુંવરજીનું કદ પણ વધ્યું છે. પેટાચૂંટણીમાં પાટીદારોનો વિરોધ પણ દેખાયો નથી. સામાન્ય રીતે ચૂંટણીમાં ત્રીજા મોરચાના કે પછી અપક્ષ ઉમેદવારો એકબીજાના વોટ કાપતા હોય છે. અલબત્ત, જસદણના આ જંગમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહ્યો અને તેમ છતાં ભાજપનો વિજય થયો છે. મધ્ય પ્રદેશ સહિતનાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ માટે સારાં પરિણામો આવ્યાં હતાં, જોકે ત્રણ રાજ્યોના પરિણામોની અસર જસદણમાં સહેજેય વર્તાઈ નથી.
ભાજપની એકતાનો વિજય: રૂપાણી
જસદણમાં જીત પછી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ત્રણ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પછી આનંદના અતિરેકમાં કોંગ્રેસે અપપ્રચાર કર્યો હતો. જુઠ્ઠાણાં ફેલાવ્યાં હતાં. તેનો સજ્જડ જવાબ જનતાએ કોંગ્રેસને આપી દીધો છે. રૂપાણીએ કહ્યું કે, હવે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૦૦ થઈ છે, ત્રણ આંકમાં આવી ગઈ છે. અભિનંદન પાઠવવા મુખ્ય પ્રધાન જસદણ પણ પહોંચ્યા હતા. તેમણે આ વિજયને ભાજપની એકતા અને વિકાસની નીતિનો વિજય ગણાવ્યો હતો.
ભાજપ- કોંગ્રેસ પછી નોટા ત્રીજા ક્રમે
જસદણ પેટાચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાને હતા. જસદણમાં ભાજપ અને કોંગ્રેસ પછી સૌથી વધુ ૨,૧૪૬ મતો નોટામાં પડયા હતા. ૭૧.૨૩ ટકા મતદાનમાં બાકીના છ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. છ ઉમેદવારોના કુલ મળીને પણ ૪,૭૭૮ મત માંડ મળ્યા હતા. આથી, આ છ ઉમેદવારો હવે ચૂંટણી લડવા માટે આપેલી ડિપોઝિટ પણ પરત મેળવી શકે તેવી સ્થિતિમાં નથી.
કોંગ્રેસે સિંહ અને ગઢ બંને ગુમાવ્યા
કોંગ્રેસે બે દાયકાથી આ બેઠક સાચવીને બેઠેલા કુંવરજી બાવળિયાને ગુમાવવા ઉપરાંત આ બેઠક પણ ગુમાવી છે. કોંગ્રેસ ઉમેદવાર અવસર નાકિયાને તેમનાં જ ગામ આસલપુરમાં ૫૧૪ મત મળ્યા તેની સામે બાવળીયાને ૭૬૪ મત મળ્યા હતા. જ્યારે કુંવરજી બાવળિયા જ્યાં વસવાટ કરે છે તે અમરાપુરમાં ભાજપને ૧,૫૫૭ મતની સરસાઈ મળી હતી.
જસદણમાં ગત ચૂંટણી ભાજપમાંથી ઝુકાવનાર ભરત બોઘરાના ગામ કમળાપુરમાંથી પણ ભાજપને ૨૨૭ મતની લીડ મળી હતી. ત્રણ માસ પહેલા વીંછિયા તાલુકા પંચાયતની અમરાપુર સીટ કોંગ્રેસે ૪૪૧ મતની લીડથી જીતી હતી. જે બેઠકમાં અત્યારે ભાજપને ૧૭૫૪ મતનું નુકસાન થયું છે. આ પરિણામ બાદ જસદણ અને વીંછિયામાં વિજય સરઘસ નીકળ્યાં હતાં.
લોકસભામાં ભાજપનો ડંકો?
જસદણ જીત પછી સૌરાષ્ટ્રમાં લોકસભાની સાત બેઠકોમાં ભાજપની પકડ મજબૂત થશે તેમ નિશ્ચિત મનાય છે. એક રીતે અઢી દાયકા બાદ ભાજપ સરકારની કેબિનેટમાં કોળી સમાજની પૃષ્ટભૂમિમાંથી આવતા ધારાસભ્યનું પ્રતિનિધિત્વ રહેશે. છેલ્લા દોઢ-બે દાયકાથી ભાજપ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કોળી નેતાઓ સામે પોતાની નેતાગીરી ઉભી કરી રહ્યું છે. રાજ્ય પ્રધાન પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી ઉપરાંત ભાજપે સુરેન્દ્રનગરથી શંકર વેગડને રાજ્યસભામાં મોકલ્યા છે. છેલ્લે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાવનગરથી ભારતીબહેન શિયાળ અને જૂનાગઢથી રાજેશ ચુડાસમાને પ્રતિનિધિત્વ આપવા છતાંયે વિધાનસભા- ૨૦૧૭ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં આ કોળી નેતાઓ ભાજપને ખાસ ફાયદો કરાવી શક્યા નથી. વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ૪૪માંથી માત્ર ૧૯ બેઠકો જ ભાજપને મળી હતી. તેની અસર વર્ષ ૨૦૧૯માં યોજનારી લોકસભા ચૂંટણીમાં થશે તેવી શક્યતાઓને જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાના વિજયને કારણે બ્રેક વાગી છે. બાવળિયા પોતે રાષ્ટ્રીય સ્તરે કોળી સમાજના અધ્યક્ષ છે. આથી, અગાઉ અનેક કોળી નેતાઓને અજમાવ્યા બાદ ભાજપે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજીને કેબિનેટમાં નેતાપદ સોંપ્યુ હતું. હવે જસદણમાં તેમના વિજય બાદ ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ જેવી કોળી પ્રભુત્વ ધરાવતી બેઠકો ઉપરાંત જામનગર, પોરબંદર અને અમરેલી લોકસભા મતક્ષેત્રોમાં ફાયદો થશે તેવું ગણિત ભાજપે ઘૂંટયુ છે.
કુંવરજી દિલ્હીમાં મોદી-શાહને મળ્યા
રાજ્યના કેબિનેટ કક્ષાના પાણી-પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા જસદણની પેટાચૂંટણીમાં જીત્યા બાદ પ્રથમવાર દિલ્હીનું કહેણ મળતાં દિલ્હી રવાના થયા હતા. અહીં તેમણે ભાજપના વિજેતા ઉમેદવાર તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ગુજરાતના કેબિનેટ પ્રધાન તરીકે ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.
જસદણના વીંછિયાનો કાર્યક્રમ રદ કરીને દિલ્હી પહોંચવાને કારણે રાજકીય વર્તુળોમાં અટકળોનો દોર શરૂ થયો હતો. જોકે, કુંવરજીએ એમ કહ્યું હતું કે, તેમણે શુભેચ્છા મુલાકાત માટે વડા પ્રધાન મોદી પાસેથી એપોઈન્ટમેન્ટ લીધી હતી. જે સોમવારે મળી જતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અમિત શાહને તેમણે દિલ્હી પહોંચીને શુભેચ્છા મુલાકાત માટે વિનંતી કરી હતી અને તે મુજબ તેમણે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
પ્રધાન કુંવરજીએ એમ જણાવ્યું હતું કે, તેઓ દિલ્હીમાં તેમના વિભાગના ત્રણેય કેન્દ્રીય પ્રધાનોને મળી તેમના વિભાગ અંગે વિવિધ રજૂઆતો કરી છે. એમ મનાય છે કે, જસદણના હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગમાં પોતાની શાખની સાથે બેઠકને આબાદ રીતે બચાવી લેનાર કુંવરજીભાઈનું સૌરાષ્ટ્રમાં રાજકીય કદ વધ્યું છે ત્યારે
ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને વધુ મોટી જવાબદારી સોંપાય તેવી સંભાવના છે.