મુંબઈઃ ગુજરાતી પત્રકારત્વને ગૌરવવંતુ બનાવનાર જાણીતા લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું ૮૮ વર્ષની વયે રવિવારે મુંબઇ ખાતે અવસાન થયું છે. કાંતિ ભટ્ટે મુંબઈમાં રહીન ગુજરાતી ભાષાના મોટા ભાગના અખબારો અન સામયિકોમાં કોલમ લેખન કર્યું હતું. તેમની લેખનની આગવી શૈલીના કારણે ગુજરાત સહિત દેશ-દુનિયામાં રહેતાં ગુજરાતી ભાષી વાચકોમાં તેઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ૬ દસકા દરમિયાન તેમણે હજારો લેખો લખ્યા હતા. ઘણા અખબારો, સામયિકોમાં વર્ષો સુધી નિયમિત કટાર લેખન દરમિયાન વિવિધતાપૂર્ણ વિષયો પર લેખો લખ્યા હતા.
કાંતિ ભટ્ટના અવસાનના સમાચાર સાંભળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પતા લખ્યું હતું કે ‘જેમની કોલમ સવારને માહિતીસભર કરી દે એવા કટારલેખર અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટના અવસાનથી વાચકજગતને મોટી ખોટ પડી છે. તેમણે જે વિપુલ પ્રમાણમાં લેખન કર્યું છે, એનાથી વર્તમાન પત્રકારિતા અને વાંચતું ગુજરાત સમૃદ્ધ બન્યું છે.’
કથાકાર મોરારિબાપુ, ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ, મુખ્ય પ્રધાન વિજય રુપાણી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે દિવંગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાંતિ ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા. તેઓ ૧૯૬૬માં મુંબઇ આવ્યા અને પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ૮૪ દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમનો જીવનમંત્ર હતોઃ કર્મયોગ જ શ્રેષ્ઠ છે.
ઉલ્લેખનીય છે કે ગયા પખવાડિયે જ તેમના ૮૮મા જન્મદિનની ઉજવણી તેમજ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજ મહાનુભાવોએ હાજરી આપીને બિરદાવ્યા હતા.