ભાવનગરઃ જાફરાબાદ નજીક આવેલા ભાકોદર ગામના દરિયામાં તરતી ગેસની જેટી બનાવવાની તમામ મંજૂરીઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તાજેતરમાં આપી દેવાઈ હોવાની જાહેરાત ૧૨મી ડિસેમ્બરે કરાઈ છે. ગેસની જેટી દ્વારા ૫૦ લાખ મેટ્રિક ટન ગેસ પ્રતિ વર્ષ હેન્ડલ કરાશે અને રાજ્યમાં રૂ. ૫૦૦૦ કરોડનું નવું રોકાણ આ પ્રોજેક્ટના માધ્યમથી આવનાર છે તેવું આ પ્રોજેક્ટના અહેવાલમાં જણાવાયું છે.
આ દેશનું સર્વપ્રથમ ફ્લોટિંગ સ્ટોરેજ રીગેસિફિકેશન યુનિટ હશે. સ્વાન એનર્જી લિમિટેડ દ્વારા બિલ્ડ ઓન, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર વડે પ્રોજેક્ટ પર કામ કરાશે. જીએમબીની સાથે કરાર કરીને આ પ્રોજેક્ટ બની રહ્યો છે. લાંબા સમયથી આ પ્રોજેક્ટ પર વિચારણાઓ ચાલી રહી હતી, જેને જીએમબી દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવતા આગામી દિવસોમાં કામગીરીનો આરંભ કરાશે. સ્વાન એનર્જી દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ઓ.એન.જી.સી., બીપીસીએલ સાથે ગેસ સપ્લાય કરવા માટેની વાટાઘાટો ચાલી રહી છે. સ્વાન એનર્જી દ્વારા ફ્લોટિંગ મૂરિંગ યુનિટ માટેની ડિઝાઇન પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. જાફરાબાદમાં આ મોટો પ્રોજેક્ટ આવવાથી તેનો પરોક્ષ લાભ ભાવનગર, મહુવાને પણ મળી શકે છે.