ધોરાજી: જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા બીજી ફેબ્રુઆરીએ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કુમાર છાત્રાલય મેદાન ખાતે કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં લેઉવા સમાજના ૫૦ હજાર જેટલાં સભ્યો ઉપસ્થિત હતાં.
લગ્નોત્સવમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૫૬ નવદંપતીને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, જામકંડોરણામાં વિઠ્ઠલભાઈ રાદડિયાએ પહેલાં સમાજ સેવાના કાર્યો કર્યાં હવે તેમના પુત્ર જયેશ રાદડિયા પણ તેમના સપનાં સાકાર કરે છે. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના અને લગ્ન પ્રસંગે જાનમાં સસ્તા દરે એસટી બસની વ્યવસ્થા કરી આપવાની સરકારી યોજનાની સામાજિક ફળશ્રૃતિની વિગતો તેમણે આ કાર્યક્રમમાં વર્ણવી હતી. સમૂહલગ્નના દાતાઓનું મુખ્ય પ્રધાનના હસ્તે આ કાર્યક્રમમાં બહુમાન કરાયું હતું.
વિન્ટેજ કારમાં વરઘોડો
જામકંડોરણાના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૫૬ વરરાજાના વરઘોડો વિન્ટેજ કારમાં રાજસ્થાની નૃત્ય અને બેન્ડબાજા - ડીજેના તાલ પુષ્પવૃષ્ટિ વચ્ચે નીકળ્યો હતો. ૧ કિમી. જેટલા લાંબા વરઘોડા જોવા લોકો રસ્તાની વચ્ચે બાજુ ઊભા રહ્યા હતા.
એક સમયે હસ્તમેળાપ
આ લગ્નોત્સવમાં ૧૫૬ યુગલોનો એક જ સમયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે બ્રાહ્મણોએ હસ્તમેળાપ કરાવ્યો હતો. સુરતના ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, શાંતિભાઈ બાવળિયા, લવજીભાઈ બાદશાહ વગેરે દાતાઓએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે કૃષિ પ્રધાન આર. સી. ફળદુ, હરિહરાનંદ સ્વામી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.