અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી સમયે ગાંધીનગર વિધાનસભામાં રાજકીય મેળાવડો જામ્યો હતો, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડયા હતા. ચૂંટણી પત્યા પછી કોંગ્રેસના હારેલા ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ પછી તેમની નજીકના વડોદરાના કાર્યકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે રાજ્યસભામાં એકઠા થયેલા પૈકી ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. જેમાં જામજોધપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાનો સમાવેશ થાય છે. આ કોંગી ધારાસભ્ય રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચૂંટણી સમયે ભીડ ભેગી થયેલી તેમાં ત્રીજો કેસ સામે આવતાં રાજકારણીઓ-અધિકારીઓ સહિત હાજર લોકોમાં ફફડાટ છે. આ ફફડાટમાં જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જે ૨૫મી જૂને નેગેટિવ આવ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં ક્વોરેન્ટાઈન થયાં છે. અમદાવાદ પૂર્વ શહેર પ્રમુખનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ચૂંટણીમાં ભાજપના ત્રણ કોરોના પોઝિટિવમાંથી સાજા થયેલા ત્રણ ધારાસભ્યો વોટ આપવા આવ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીના પરિવારમાં કેસ આવ્યો તોય તેઓ મત આપવા દોડી આવ્યા હતા.