જામનગર: ચાર જણાએ જામનગરમાં સગીરા પર કરેલા ગેંગરેપના બનાવથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે જામજોધપુરમાં સગીરા પર વારંવાર દુષ્કર્મના બનાવની જાણ થતાં પિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. જામજોધપુરમાં રહેતી ૧૮ વર્ષ અને બે દિવસની પુત્રી પર જામજોધપુરના વિલાસપુર ગામના અશ્વિન ભીમશીભાઈએ ૨૨મી સપ્ટેમ્બરથી અગાઉ ૮ માસ દરમિયાન અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની યુવતીના પિતાને જાણ થતાં તેમણે તાજેતરમાં ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફેલાયું હતું. યુવતીએ આ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી માટે સગીરાને તબીબી પરીક્ષણ માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડી હતી.