રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ૧૦મી ઓક્ટોબરે ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. જામનગર આસપાસ અને લાલપુર પંથકમાં સર્વાધિક ૨.૯ થી ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. ૧૦મીએ રાત્રે ૧.૩૮ વાગે જામનગરથી ૨૩ કિ.મી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી વિભાગમાં નોંધાયો હતો. આ પૂર્વે ૮.૩૫ વાગે જામનગરથી ૨૬ કિ.મી. દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આમ તો ૧૦મીએ સવારે ૪ વાગ્યે પણ ૧.૮ની તીવ્રતાથી ધરા ધ્રૂજી હતી. જામનગરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. સિસ્મલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે જમીનની અંદર માત્ર ૪.૩ કિમીની ઊંડાઈએ ભૂકંપનું ઉદભવબિંદુ હતું.