જામનગર: જામનગર જિલ્લાની ધરતીના પેટાળમાં તાજેતરમાં સળવળાટ જોવા મળે છે. ૧૫મી અને ૧૬મી ઓગસ્ટના ૪૮ કલાક દરમિયાન જામનગર પંથકમાં સાત ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થયો હતો. ૧૭મીએ પણ બે હળવા આંચકા અનુભવાયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ધરતી ધ્રૂજતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. ૧૬મીએ સાંજે ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્રબિંદુ જામનગરથી ૨૩ કિ.મી. દૂર કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામ તરફ અને જમીનની અંદર ૧૦ કિ.મી ઊંડાઇએ હોવાનું નોંધાયું હતું. ૧૬મીએ રાત્રે દસ વાગ્યાને ૯ મિનિટે ફરીથી ભૂકંપનો એક હળવો આંચકો અનુભવાયો હતો એની પણ તીવ્રતા ૨.૧ રિક્ટર સ્કેલની હતી.