જામનગર સાથે અતૂટ નાતો ધરાવે છે પોલેન્ડ

45 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે પહોંચી રહ્યા છે ત્યારે અતીતમાં ડોકિયું...

Wednesday 21st August 2024 03:54 EDT
 
 

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસની મુલાકાતે પોલેન્ડ પહોંચશે તે સાથે જ ઇતિહાસ રચાશે. 45 વર્ષના લાં...બા અરસા બાદ ભારતીય વડાપ્રધાન આવી રહ્યા હોવાથી પોલેન્ડવાસી ભારતીયો તો ઉત્સાહિત છે જ, પરંતુ તેમનાથી વધુ ઉમંગ-ઉત્સાહ પોલેન્ડના શાસકોમાં છે. કારણ એટલું જ કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હોવા ઉપરાંત ગુજરાતના વતની પણ છે. અને પોલેન્ડ ગુજરાત સાથે દસકાઓ જૂનો લાગણીભર્યો નાતો ધરાવે છે.
એક દિલદાર ગુજરાતીએ સંકટ સમયે પોલીશ પરિવારોને કરેલી મદદને પોલેન્ડની પ્રજા આજે આઠ દસકા પછી પણ ભૂલી નથી. આ દિલદાર ગુજરાતી એટલે તે સમયના નવાનગર સ્ટેટના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજા. જામનગરના આ રાજવીએ બીજા વિશ્વયુદ્ધ વેળા હિટલરની તાનાશાહીની સહેજ પણ તમા રાખ્યા વગર પોલેન્ડના સેંકડો બાળકોને ચાર વર્ષ સુધી જામનગરમાં આશરો આપ્યો હતો. પોલેન્ડે આ જ ઉપકારને યાદ રાખીને રશિયા-યૂક્રેન યુદ્ધના પ્રારંભે દેશમાં આશરો લેવા આવી પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓની કાળજી લેવામાં કોઇ કસર છોડી નહોતી.
સન 1939ની વાત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર અને સોવિયેત સંઘના શાસક જોસેફ સ્ટાલિને એક સંપ થઇને પોલેન્ડ પર હુમલો કરી દીધો હતો. ભીષણ આક્રમણે પોલેન્ડને ખંઢેરમાં ફેરવી નાંખ્યું હતું. ઇન્ટરનેશનલ એમ્નેસ્ટી દ્વારા પોલેન્ડના સેંકડો બાળકોને સોવિયેતના અનાથાલયમાં રખાયા હતા. આ સમયે પોલેન્ડના નાગરિકોએ બ્રિટિશ સરકારને અપીલ કરી પોલીશ બાળકોને કોઈ અન્ય દેશમાં આશ્રય અપાવવા માગ કરી હતી. કોઇ દેશ આ નિરાશ્રિત બાળકો રાખવા તૈયાર નહોતો. જામનગરના રાજવી દિગ્વિજયસિંહજી બ્રિટિશ ઇમ્પિરિયલ વોર કેબિનેટના સદસ્ય તરીકે આંતરરાષ્ટ્રીય સ્થિતિ વિષે માહિતગાર હતા. દયાળુ સ્વભાવના જામસાહેબ સોવિયેતના અનાથાલય સુધી પહોંચી ગયેલા પોલેન્ડના સેંકડો બાળકોને આશરો આપવાનો નિર્ણય લીધો. અને આ નિરાધાર બાળકો ગુજરાતના બાલાચડી પહોંચ્યા હતા.

પોલેન્ડના સૈન્ય, રેડક્રોસ, મુંબઇ ખાતેના પોલેન્ડના કોન્સ્યુલેટ તેમજ બ્રિટિશ અધિકારીઓની મદદથી આ બાળકો સૌથી પહેલા મુંબઇ સુધી પહોંચ્યા હતા. આ માટે તેમને 1500 કિમી ટ્રકમાં સફર કરવી પડી હતી. સોવિયેત અનાથાલયોના નર્કાગારથી મુક્તિ મેળવીને આ બાળકો જાણે કે બાલાચડીના સ્વર્ગમાં પહોંચ્યા હતા.
જામસાહેબની દિલેરી
ભારત આઝાદ નહોતું થયું, છતાં જામસાહેબ દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે એક હજાર જેટલા બાળકોને આશ્રય આપવાની તૈયારી બતાવી હતી. આ માટે તેમણે જામનગર નજીક આવેલા બાલાચડી પાસે એક કેમ્પનું (જ્યાં આજે સૈનિક સ્કૂલ છે) નિર્માણ કરાવ્યું હતું. અહીં નિરાશ્રિત પોલીશ બાળકોને આશ્રય આપ્યો. જામસાહેબે પોલેન્ડના બાળકો માટે રહેઠાણ, રમતગમત, ભોજન સહિતની તમામ સુવિધાઓ ઉભી કરી હતી. જામસાહેબે આ બાળકોને સાચવ્યા એટલું જ નહીં, તેમની સંસ્કૃતિ ન ભૂલે તેની પણ વિશેષ કાળજી લીધી હતી. આ માનવતાપૂર્ણ અભિગમથી એક કાઠિયાવાડી રાજવી દુનિયાભરના અખબારોમાં છવાઇ ગયા હતા.
‘હવે તમે અનાથ નથી... નવાનગરના છો’
ઘરઆંગણે બાળકોને આવકારતાં મહારાજા જામસાહેબે કહ્યું હતું કે, ‘હવે તમે અનાથ નથી. હવેથી તમે નવાનગરના છો, અને નવાનગરના સહુનો પિતા છું, તેથી હું તમારો પણ પિતા છું.’ બાળકો રમી શકે, જમી શકે અને સાથે સાથે જ અભ્યાસ કરી શકે તેવી તમામ વ્યવસ્થા મહારાજાએ કરી હતી. અનાથોને સૂવા માટે અલગ અલગ પથારીની વ્યવસ્થા પણ આપી હતી. આ જ કારણ છે કે જે પોલીશ બાળકો બાલાચડીમાં રહ્યા હતા તેઓ જામ દિગ્વિજયસિંહજીને બીજા પિતા માને છે
પોલેન્ડમાં સ્કવેરને જામ રાજવીનું નામકરણ
જામ દિગ્વિજયસિંહજીને પોલેન્ડમાં ‘ધ ગુડ મહારાજા’ તરીકે ઓળખવામાં આવે છે. પોલેન્ડની કેટલીક શાળાઓ સાથે જામ દિગ્વિજયસિંહજીનું નામ જોડીને પોલેન્ડવાસીઓએ જામ રાજવી અને તેમણે કરેલી મદદની સ્મૃતિને અવિસ્મરણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. પોલેન્ડમાં એક સ્કવેરને પણ જામ દિગ્વિજયસિંહજીનું નામ આપવામાં આવ્યું છે. ઇતિહાસને જીવંત રાખવા માટે પોલેન્ડ અને ભારતે સાથે મળી ડોક્યુમેન્ટરી બનાવી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ દ્વારા માનવતાનું જે ઉત્તમ ઉદાહરણ પૂરું પડાયું હતું. એ ઘટનાથી ભારત અને પોલેન્ડના લોકો જ નહીં, દુનિયાભરના લોકો માહિતગાર થાય એ માટે ભારત અને પોલેન્ડ સરકારે સંયુક્ત રીતે ‘A little Poland in India’ નામની ડોક્યુમેન્ટરીનું નિર્માણ પણ કર્યું છે.
પોલેન્ડની આઝાદીની 100મી વર્ષગાંઠની જામનગરમાં ઉજવણી
પોલેન્ડ દ્વારા વર્ષ 2018માં પોતાની આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે ખાસ જામનગર અને બાલાચડીની પસંદગી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે તેઓ 76 વર્ષ પહેલાં બાલાચડીમાં રહ્યા હતા. તેમાંના કેટલાક સર્વાઈવર, તેમના પરિવારજનો અને પોલેન્ડના રાજદૂત પણ ઉજવણીમાં સામેલ થયા હતા. બાલાચડીમાં જનરેશન ટુ જનરેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલેન્ડના સર્વાઈવરની સાથે જામ રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જે તે સમયે બાલાચડી સૈનિક સ્કૂલમાં પોલેન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી પણ આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter