જામનગર: રણજીતનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓની ધુંવાવ ગામે આવેલી રૂ. ત્રણ કરોડની ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન ઘડવા અંગે શહેરના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરના પુત્ર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ સહિત નવ જેટલાં માણસો સામે ફરિયાદ નોંધાવાઈ છે.
ઓશવાળ કોલોની શેરી નં.૨માં રહેતા અને ખેતીકામ કરતા મહેશ રણછોડભાઈ બુસા તથા રઘુવીર સોસાયટીમાં રહેતા તેમના નાના ભાઈ જયેશ રણછોડભાઈ બુસાની માલિકીની ધુંવાવમાં જમીન છે.
આ જમીનના ખોટા દસ્તાવેજો તૈયાર કરી તેને જામનગરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી તેનો અસલ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડવા અંગેનું કારસ્તાન રચાયું છે.
આ અંગે જામનગર મહાપાલિકાના વોર્ડ નં.૧૫ના મહિલા કોર્પોરેટરના પુત્ર અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી ઉપરાંત જયેશ રણછોડભાઈ અમીપરા, અખ્તર ઈબ્રાહીમ ખીરા, પોરબંદરના રામભાઈ મેરામણભાઈ કેશવાલા, વિજય પુંજાભાઈ મોઢવાડિયા, ભરત ગાંગા ખુટી, પુંજા રામા ઓડેદરા, અમદાવાદના નોટરી એ.આર.શેખ તેમજ જામનગરની સબ રજિસ્ટ્રાર ઝોન-૪ની કચેરીના ભરતસિંહ જાડેજા વગેરે સામે મહેશ અને જયેશ બુસાએ બંને ભાઈઓએ છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે.