જામનગર: સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ અન્ય દરદીઓના નવજીવન માટે નીરજના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
એ પછી સુરતમાં અકસ્માતમાં ઈજા બાદ બ્રેઈનડેડ નીરજના હૃદય, લીવર, કિડની અને આંખોનું અન્ય દરદીઓ માટે દાન કરાતાં અમદાવાદ અને જામનગરની હોસ્પિટલોના છ દરદીઓને નવજીવન પ્રાપ્ત થયું હતું.
ચોથીએ બ્રેઈનડેડ નીરજને જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંઘમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં યુવાનનાં ઓપરેશનની વ્યવસ્થા થઈ હતી. નીરજની સર્જરી વખતે સ્થાનિક હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. સુધીર મહેતા અને અધિક્ષક પંકજ બૂચ, રાજકોટની સિવિલ હોસ્પિટલની ટીમ ઉપરાંત અમદાવાદની બે હોસ્પિટલોના તબીબો ડો. મોદી, ડો. ધીરેન શાહ તથા તેમની ટીમ હાજર હતી. ૩૫ જેટલા તબીબો અને સંબંધિત વિભાગના તબીબી સ્ટાફ સાથે આ યુવાનના હૃદય, લીવર, બંને કિડની તથા બંને ચક્ષુઓનાં ઓપરેશન થયાં હતાં.
જામનગર કલેકટર રવિશંકર, એસ. પી. શરદ સિંઘલ, એરફોર્સના અધિકારીઓ દ્વારા કરાયેલી ખાસ વ્યવસ્થા અનુસાર ઉપરોકત અંગો સુરક્ષિત રીતે એરફોર્સના વિમાન દ્વારા મધરાત બાદ અમદાવાદ લઈ જવાયાં હતાં. આ માટે જામનગર-અમદાવાદમાં સ્પેશિયલ કોરીડોર બનાવાયો હતો.
જામનગરની હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. બૂચના જણાવ્યા અનુસાર સવારે ૧૧.૩૦ સુધીમાં અમદાવાદની એમ્સ હોસ્પિટલમાં એક દરદીને હૃદયનું સફળ પ્રત્યારોપણ કરાયું હતું.
આઈકેડી કિડની હોસ્પિટલમાં બે દરદીઓમાં કિડની તથા એક દરદીમાં લીવરનાં પ્રત્યારોપણની કામગીરી સફળ રીતે કરવામાં આવી હતી. જામનગરની હોસ્પિટલમાં બે દરદીઓને ચક્ષુદાન કરાયું હતું.