જામનગર: સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતાં જામનગરમાં રણમલ તળાવની પાળે બિરાજતાં સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા ૧ ઓગસ્ટ ૧૯૬૪ના દિવસે અખંડ રામધૂનનો પ્રારંભ કરાયો હતો. જે રામધૂન આજે દસકાઓ પછી પણ અવિરત ચાલુ છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ
સ્થાન ધરાવતી આ અખંડ રામધૂને આ પહેલી ઓગસ્ટે ૫૬ વર્ષ પૂર્ણ કરીને ૫૭મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.
બાલાહનુમાનજીના મંદિરમાં ૧૯૬૪ની સાલમાં ઓગસ્ટ મહિનાની એક તારીખથી અખંડ રામધૂનના જાપ શરૂ કરાયા હતા. જેના પહેલી ઓગસ્ટ - ગયા શનિવારે ૨૦,૪૫૩ દિવસ પૂર્ણ થયા છે. ૫૬ વર્ષ પૂર્ણ કરી અખંડ રામધૂન ૫૭માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જોકે હાલ કોરોનાની મહામારીને લઈને તેની ઉજવણી ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવી છે.
જામનગર શહેરમાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આઠમી ઓગસ્ટ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર સદંતર બંધ રાખવામાં આવ્યું છે. જોકે પાંચ રામભક્તો દ્વારા મંદિર પરિસરમાં અખંડ રામધૂનના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યા છે. જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા દરરોજ આરતી-પૂજા કરવામાં આવે છે. આમ દર્શનાર્થી મંદિરના દ્વારેથી જ દર્શન કરી પરત ફરી રહ્યાં છે.