જામનગરઃ જાણીતા વકીલ કિરીટ જોશી (ઉ. ૪૩)નું ટાઉનહોલ નજીક જ્યોત ટાવર પાસે છરીના ઉપરા-ઉપરી ઘા ઝીંકી જામનગરમાં ૨૯મી એપ્રિલે હત્યા કરાઈ હતી. મૃતકના ભાઈ અને વકીલ અશોક જોશીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે રૂ. ૧૦૦ કરોડના જમીન હડપગીરીના કૌભાંડમાં જયેશ પટેલ (રાણપરિયા)ને જામીન મળવામાં નિષ્ફળતાના કારણે તેમના કહેવાથી કાવતરું રચીને બે અજાણ્યા માણસો દ્વારા કિરીટ જોશીનું ખૂન કરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના વિરોધમાં જામનગર વકીલ મંડળના સભ્યોએ ૩૦મી એપ્રિલના રોજ કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.