જામનગર: રાજ્યમાં વાહનો, આવશ્યક સેવાની દુકાનો સહિતના પાસ માટે જિલ્લા વહીવટીતંત્રએ ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે છતાં સોમવારે સવારે મહેસૂલ સેવા સદને લોકોના ટોળાં અને કતારોથી કોરોના સામેની લડતમાં સંજીવની ગણાતા સામાજિક અંતરના લીરા ઉડયાં હતાં. દુકાનો, લારીઓ પર લાકડી પછાડી નિયમોનું પાલન કરાવતા તંત્રના આંગણે આવશ્યક સેવા, વાહનોના પાસની પળોજણમાં લોકોની ગીચોગીચ લાઇનોથી અડધો કલાકથી વધુ સમય માટે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. જો કે, અડધો કલાકના સમય બાદ અધિકારીઓ દ્વારા પાસ માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવતા લોકો પરત ફર્યા હતાં.