જામનગરઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાના કેસમાં ભભૂકી ઉઠેલો રોષ હજી શમ્યો નથી ત્યાં જામનગરમાં એક સગીરા પર ૪ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર ચોથી ઓક્ટોબરે જાહેર થયાં છે. પોલીસે આ કેસમાં ૩ નરાધમોની ધરપકડ કરી છે.
જામનગર શહેરમાં રહેતી ૧૭ વર્ષ અને ર માસની સગીરાને ૨૮મી સપ્ટેમ્બરે ૪ જણા બુધો ઉર્ફે દર્શન ઘેલુભાઈ ભાટિયા, મિલન ડાડુભાઈ ભાટિયા, દેવકરણ જેશાભાઈ ગઢવી અને મોહિત કિશોરભાઈ આંબલિયા ફોસલાવીને મોહિતના ઘરે લઈ ગયા. ત્યાં ચારેય નરાધમોએ વારાફરતી સગીરા પર દુષ્કૃત્ય આચર્યું હતું. એ પછી અત્યાચારીઓ સગીરાને તેના ઘર પાસે મૂકીને ચાલ્યા ગયા હતાં.
સગીરાને પીડા થતાં પછીથી તેણે માતા-પિતાને વાત કરી હતી અને સગીરાએ સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ આદરી હતી. આ કેસની જવાબદારી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી હતી. તાત્કાલિક એલસીબી અને એસઓજીની ટીમે ૩ નરાધમો બુધો ઉર્ફે દર્શન, મિલન અને દેવકરણની ધરપકડ કરી હતી. કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ત્રણેયની તપાસ બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે ફરાર મોહિતની શોધખોળ આરંભવામાં આવી હતી.