જામનગર: ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની કિલનિક ધરાવતા ડો. દીપાલીબહેન વિરલભાઈ પંડયાના મોબાઈલ પર મુંબઈના અગ્રીપાડા પોલીસ મથકના ફોજદાર પાટિલ તરીકે ઓળખ આપી થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે, જામનગરના રિઝવાનાબહેન શેખ નામના દર્દીએ થોડા દિવસ પહેલાં તમારા કિલનિકમાં સારવાર લીધી હતી.
એ રિઝવાનાબહેન લગ્નપ્રસંગમાં મુંબઈ આવ્યા હતા અને તમે આપેલી દવાના કારણે રિએકશન આવ્યું છે. રિઝવાનાબહેનને તકલીફ થઈ છે અને તેના પરિવારજનો સાથે તમારે વાત કરવાની છે. જો તમે કંઈ પણ પરિવાર સાથે નકકી કરી લેશો તો ગુનો નહીં નોંધવામાં આવે. એ પછી બીજી વખત ફોન કરી રિઝવાનાબહેનનું દવાના રિએકશનના કારણે મૃત્યુ નિપજયું હોવાનો ફોન આવ્યો હતો.
આ ફોનમાં રિઝવાનાબહેનના પિતા સાથે વાતચીત કરો તેમજ ગુનો ન નોંધાવવો હોય તો નાણા આપી સેટલમેન્ટ કરો એવી વાત થઈ હતી. ડો. દીપાલીબહેને ફોન કાપી નાંખતા વારંવાર ફોન આવતાં જોકે મહિલા તબીબે ફોન ઉપાડયા નહોતા.
એ પછી જામનગરમાં અન્ય ૩ તબીબો ડો દિનેશ ભેડા, ડો નિશાંત શુકલ અને ડો. ફોફરિયાને પણ આ પ્રકારના ફોન આવ્યા હતા અને નાણાની માગ કરાઈ હતી.
એ પછી આ મામલે ડો. દીપાલી પંડયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મુંબઈથી ફોજદાર પાટિલ નામે ફોન કરનાર સામે ગુનો નોંધી નંબરના આધારે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.