અમદાવાદ: સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકારે હજ્જ યાત્રિકોને અપાતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પણ જૂનાગઢ નવાબે માત્ર સબસિડી નહીં, મક્કા પહોંચતાં હાજી માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આશરે સવા સદી પહેલાં ગુજરાતના એકમાત્ર મુસ્લિમ રાજ્ય જૂનાગઢ દ્વારા હજયાત્રિકોને અપાતી સુવિધા અને વ્યવસ્થાનો ચિતાર આજના સમયમાં નોંધપાત્ર બની રહેશે.
ઈ.સ. ૧૮૯૨ના અરસાની આ વાત છે. ગુજરાતના સૌથી મોટા મુસ્લિમ રાજ્ય જૂનાગઢ દ્વારા ગુજરાતના હજ્જ યાત્રિકો માટે મક્કા-મદીનામાં આવેલા સુબૈકા મહોલ્લામાં ખાસ મકાનો બનાવવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી જનારા કોઈપણ મુસ્લિમ યાત્રિકોને અહીં વિનામૂલ્યે રહેવા અને જમવાન સુવિધા પુરી પાડવામાં આવતી હતી. નવાબ બહાદુરખાનજી અને નવાબ રસુલખાનજીના સમયમાં મક્કામાં ૪ મકાનો બનાવવામાં આવયા હોવાનો ઉલ્લેખ કરતા જૂનાગઢના ઇતિહાસવિદ્ ડો. પ્રદ્યુમ્ન ખાચર જણાવે છે કે, જૂનાગઢના નવાબની ચિઠ્ઠી લઈને મુસ્લિમ યાત્રિકો આ મકાનમાં ઉતરી શકતા હતાં. મોટાભાગે મેમણો, નવાબના રાજકુટુંબીઓ, બેગમો અને છુટક યાત્રિકો અહીં રોકાણ કરતા હતા. બાંટવા, માણાવદર, કુતિયાણા મોંગરોળ, અમદાવાદ, પાટણ, મંબઈ વગેરે વિસ્તારના હજ્જ યાત્રિકો આ સુવિધાનો લાભ લેતા હતાં. આ મકાનોના નિભાવ અને ખર્ચ માટે જૂનાગઢ રાજ્યના ઝાલરસર ગામની આવક અનામત રાખવામાં આવી હતી કાયમીના ધોરણે સરેરાશ ૨૦થી ૨૫ યાત્રિકો આ સુવિધાનો લાભ લેતા હોવાનો ઉલ્લેખ પ્રાચીન દસ્તાવેજોમાં છે.